પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે ૧૧૦થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
પ્રકાશિત તારીખ : 31/08/2026
આણંદ, શનિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે નિવેદિતા ફાઉન્ડેશન, જિલ્લા ક્ષય વિભાગ અને પ્રા.આ. કેન્દ્ર અડાસના સંયુક્ત ઉપક્રમે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા એક વિશેષ ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દીપક પરમાર, ડૉ. માને અને નિવેદિતા ફાઉન્ડેશનના શ્રી નીપાબેન પટેલ દ્વારા ઉપસ્થિત દર્દીઓને ક્ષય, કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટે જરૂરી આહાર અને વિશિષ્ટ પોષણ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ નિયમિત દવાની સાથે યોગ્ય ખોરાકનું મહત્વ સમજાવ્યું હતું.
આ આયોજન અંતર્ગત આશરે ૧૦૦ જેટલા ક્ષયના દર્દીઓ તેમજ ૧૦ જેટલા કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને પોષક તત્વોથી સભર ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત તમામ લાભાર્થીઓનું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદના આયુષ્માન કાર્ડ પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રજાપતિ, નિવેદિતા ફાઉન્ડેશનના શ્રી કમલભાઈ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધવલ શાહ સહિત આરોગ્ય વિભાગના સ્ટાફ, આશા બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે ૧૧૦થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું