પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગની શરૂઆત
પ્રકાશિત તારીખ : 22/08/2025
આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનું રોલઆઉટ: ઈન્ડિયા પોસ્ટની ડિજિટલ ઈન્ડિયા તરફની યાત્રામાં એક માઈલસ્ટોન- સંચાર પ્રધાન શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
આણંદ, શુક્રવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ અને સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનું દેશવ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ડિજિટલ સુધારો દેશભરના ૧.૬૫ લાખથી વધુ પોસ્ટ ઓફિસોમાં લાગુ કરવામાં આવ્યો છે. જે સરકારના ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના લક્ષ્યો સાથે સુસંગત રહીને દેશના નાગરિકોને ઝડપી, વિશ્વસનીય અને નાગરિક ક્રેન્દ્રિત સેવાઓ પૂરી પાડે છે.
જેની મુખ્ય વિશેષતાઓમાં માઈક્રો-સર્વિસ અને ઓપન API આધારિત આર્કિટેક્ચર, એકીકૃત યૂઝર ઈન્ટરફેસ, ક્લાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ, બુકિંગથી ડિલિવરી સુધીનું સંપૂર્ણ ડિજિટલ સોલ્યુશન, નવી પેઢીના ફીચર્સ – QR કોડ પેમેન્ટ, OTP આધારિત ડિલિવરી, ઓપન નેટવર્ક સિસ્ટમ – ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિશ્વસનીય કનેક્ટિવિટી, ૧૦ અંકનો અલ્ફાન્યુમેરિક DIGIPIN, સુધારેલ રિપોર્ટિંગ અને એનાલિટિક્સ રહેશે.
આ સેવાનું ગુજરાતમાં તબક્કાવાર રોલઆઉટ કરીને તમામ ૨૩ પોસ્ટલ સર્કલ્સ અને ૧.૭૦ લાખથી વધુ ઓફિસોમાં સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે.
૪.૬ લાખથી વધુ કર્મચારીઓને “Train -Retrain – Refresh” સિદ્ધાંત હેઠળ તાલીમ આપવામાં આવી છે. APT સિસ્ટમ પહેલાથી જ સફળતાપૂર્વક કાર્યરત છે. એક જ દિવસે ૩૨ લાખ બુકિંગ્સ અને ૩૭ લાખ ડિલિવરીઝ સંભાળવાનો રેકોર્ડ સ્થાપ્યો છે.
APT ઈન્ડિયા પોસ્ટને વિશ્વસ્તરીય જાહેર લોજિસ્ટિક્સ સંસ્થા તરીકે બદલી દેશે. આ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, જે વધુ મજબૂત અને સ્વાવલંબનશીલ ડિજિટલ ઈન્ડિયાની દિશામાં અગત્યનું પગલું છે, તેમ આણંદ ડિવિઝનના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ દ્વારા જણાવાયું છે.