પેટલાદ સિંચાઈ વિભાગને મળશે નવું આધુનિક ભવન
પ્રકાશિત તારીખ : 22/07/2026
રાજ્ય સરકારે રૂ. ૪.૯૦ કરોડની દરખાસ્તને આપી વહીવટી મંજૂરી
આણંદ, મંગળવાર , ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ સ્થિત સિંચાઈ વિભાગના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા એક મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકાર દ્વારા પેટલાદ ખાતે ‘નવી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ’ (નવી વહીવટી કચેરી) ના નિર્માણ માટે અંદાજિત રૂ. ૪.૯૦ કરોડથી વધુની રકમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
આ વહીવટી મંજૂરીના કારણે સિંચાઈ વિભાગની કામગીરી વધુ ઝડપી અને સુસંગત બનશે.
પ્રોજેક્ટને વધુ પારદર્શક અને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે સરકારના ડિજિટલ ઈનિશિયેટિવ્સનો ઉપયોગ કરવામાં આવશે.
નવી બિલ્ડિંગના બાંધકામની આ સમગ્ર યોજનાને ‘મુખ્યમંત્રી ડેશબોર્ડ’ (C.M. Dashboard) સાથે લિંક કરવામાં આવશે, જેથી રાજ્ય કક્ષાએથી કામગીરીનું સતત મોનિટરિંગ થઈ શકે.
આ નવા વહીવટી ભવનના નિર્માણથી પેટલાદ અને આસપાસના વિસ્તારના ખેડૂતો તેમજ જનતાને સિંચાઈ વિભાગને લગતી સેવાઓ વધુ સુચારુ રૂપે મળી રહેશે.