તા.૧૫ ડિસેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ યોજાશે
પ્રકાશિત તારીખ : 10/12/2025
૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને પદવી અને ૧૦૩ તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે
આણંદ, મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ આગામી તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ને સોમવારના રોજ સવારે 10-00 કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય સામે આવેલા માનવ વિદ્યાભવનના પટાંગણમાં યોજાશે.
આ દિક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સમારંભના મુખ્ય મહેમાન તરીકે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મિનેશ શાહ ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને તકનિકી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહેશે.
આ વર્ષે યુનિવર્સિટીની વિવિધ ૧૧ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કુલ ૧૦૩ ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરવામાં આવશે. કુલ ૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. આ સાથે જ યુનિવર્સિટીના આરંભથી અત્યાર સુધીમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૪,૦૭,૭૨૯ પર પહોંચશે.
વિદ્યાશાખા વાર પદવીઓની સંખ્યામાં વિનયન (Arts) ૫૪૩૪, વાણિજ્ય (Commerce) ૩૭૫૪,
વિજ્ઞાન (Science) ૩૬૧૧, શિક્ષણશાસ્ત્ર (Education) ૧૪૬૭, કાયદાશાસ્ત્ર (Law) ૧૦૩૧, મેનેજમેન્ટ ૭૨૨, હોમિયોપેથી ૩૪૨, મેડીકલ: ૨૯૪, એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ૧૩૯, ગૃહવિજ્ઞાન ૧૧૫ અને ફાર્માસ્યુટીકલ સાયન્સમાં ૫૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સ્વદેશી પોષાકને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે મંચસ્થ મહાનુભાવો, સરદાર પટેલ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ તેમજ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓ ખાદીના એક સરખા ડ્રેસકોડમાં જોવા મળશે.