તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન
પ્રકાશિત તારીખ : 04/09/2025
આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે
બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય,બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે
આણંદ, બુધવાર: તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકો કક્ષાએ સન્માન કરવામાં આવે છે.
આણંદ જિલ્લાના શિક્ષક દિનની ઉજવણી સમારોહ તારીખ પાંચમી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય, બાકરોલ ગેટ પાસે, બાકરોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે.
આવા કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત આણંદના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્યશ્રીઓ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ઉપસ્થિત રહેશે.
આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવ રૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા આપનાર જિલ્લા કક્ષાના ૦૩ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક, માધ્યમિક શાળાના શિક્ષક અને એચ ટાટ આચાર્ય ની પસંદગી થઈ છે. જ્યારે તાલુકા કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદ જિલ્લાની ૦૭ પ્રાથમિક શાળાના ૦૭ શિક્ષકોને સન્માનિત કરવામાં આવનાર છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવશે અને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ આપવામાં આવશે.