ખેલ મહાકુંભ-૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મેળવવા માટે ૨૮ જુલાઈ સુધીની અંતિમ સમયમર્યાદા
પ્રકાશિત તારીખ : 27/07/2026
આણંદ જિલ્લાના રમતવીરો માટે અગત્યની સૂચના: બાકી રહેલા ઇનામોની રકમ મેળવવા માટે વિગતો રજૂ કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો અનુરોધ
આણંદ, શુક્રવાર , ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત આણંદ જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા જાહેર થયેલા ખેલાડીઓને સરકાર દ્વારા આપવામાં આવતા રોકડ પુરસ્કારની રકમ સીધી તેમના બેંક ખાતામાં ડબીટી (Direct Benefit Transfer) માધ્યમથી જમા કરવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. જે વિજેતા ખેલાડીઓને ટેકનિકલ કારણોસર કે અન્ય કોઈ મુશ્કેલીને લીધે હજુ સુધી રોકડ પુરસ્કારની રકમ પ્રાપ્ત થઈ નથી, તેઓએ તાત્કાલિક ધોરણે પોતાની વિગતો રજૂ કરવાની રહેશે જેથી ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
પુરસ્કારની રકમ મેળવવાથી વંચિત રહી ગયેલા આણંદ જિલ્લાના તમામ વિજેતા ખેલાડીઓએ આગામી તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૬ સુધીમાં પોતાની સંપૂર્ણ વિગતો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રામપુરા, આણંદ ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે. આ ઉપરાંત, ખેલાડીઓની સુવિધા માટે વિભાગ દ્વારા મોબાઈલ નંબર ૭૮૭૪૫ ૮૫૮૬૮ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર વોટ્સએપ દ્વારા પોતાની વિગતો મોકલી શકાશે. નિયત સમયમર્યાદામાં વિગતો પ્રાપ્ત થયા બાદ જ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની દરેક સંબંધિત ખેલાડીઓએ ખાસ નોંધ લેવી અનિવાર્ય છે.
પુરસ્કારની રકમ સીધી ખાતામાં જમા કરાવવા માટે ખેલાડીઓએ ચોકસાઈપૂર્વકની માહિતી આપવી જરૂરી છે. ખેલાડીઓએ પોતાનું સંપૂર્ણ નામ, જો ઉપલબ્ધ હોય તો ખેલ નોંધણી (KMK- Registration) નંબર, પોતે જે રમતમાં વિજય મેળવ્યો હોય તે રમતનું નામ, પોતાના તાલુકા અથવા જિલ્લાનું નામ અને કાર્યરત મોબાઈલ નંબરની વિગતો આપવાની રહેશે. આ સાથે જ ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ નંબર અને બેંક ખાતાની સચોટ વિગતો જેવી કે બેંકનું નામ, ખાતા નંબર અને આઈએફએસસી (IFSC) કોડની માહિતી સબમિટ કરવી પડશે. જિલ્લા રમત વિકાસ અધિકારી, આણંદ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને આ પ્રક્રિયામાં સહકાર આપી સમયસર વિગતો મોકલી આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.