કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટેની પરમિશન આપવામાં આવશે માત્ર 48 કલાકમાં
પ્રકાશિત તારીખ : 19/01/2026
આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની રજૂઆતને પગલે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ લીધો ત્વરિત નિર્ણય
નગરજનોને મકાન બાંધકામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા મળશે તાત્કાલિક પરમિશન
કરમસદ આણંદ મહાનગરપાલિકાની નગરજનો માટે સુવિધા રૂપ પહેલ
આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા માટે અથવા મકાનમાં જરૂરી સુધારા વધારા કરવા માટે મહાનગરપાલિકામાં પાસેથી જરૂરી બાંધકામ પરમિશન મેળવવામાં આવે છે, જે પરમિશન આપવામાં ઉડતા દસ્તાવેજો ન જોડવાને કારણે ક્યારેક વિલંબ પણ થતો હોય છે.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાને રજૂઆત કરી હતી કે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા અને મકાનમાં જરૂરી સુધારા વધારા માટે મહાનગરપાલિકા પાસે બાંધકામ પરમિશન માંગવામાં આવે છે અને આ માટે જે લોકો બેંક પાસેથી લોન મેળવે છે તેમને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંધકામ પરમિશનનો પત્ર બેંકને રજૂ કરવાનો હોય છે, જે પરમિશન થોડી ઘણી મોડી મળવાને કારણે લોન મેળવવામાં કે મકાન બાંધકામ કરવામાં કે મકાનમાં જરૂરી સુધારા વધારા કરવામાં વિલંબ થાય છે.
મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ મનપા વિસ્તારમાં રહેતા નગરજનો ૧૨૫ ચોરસ મીટર થી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટે અથવા મકાનમાં જરૂરી સુધારા વધારા કરવા માટે મહાનગરપાલિકા પાસેથી બાંધકામ પરમિશન માંગશે તો હવે આ પરમિશન માત્ર 48 કલાકમાં જ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે નગરજનો ને બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે કોઈ અગવડ પડે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને નગરજનોને બાંધકામ પરમિશન મળવાથી ખૂબ જ અનુકૂળ રહેશે અને કોઈપણ જાતના વિના વિલંબે પરમિશન મળવાથી નગરજનોને કચેરી ખાતે અવરજવર કરવા એટલે કે નાણાં અને સમયની પણ બચત થશે.
આમ, મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લેવામાં આવેલ ત્વરિત નિર્ણયને કારણે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈને લેવામાં આવેલ નિર્ણય થી રાજ્યની મહાનગરપાલિકાઓમાં ઝડપી નિર્ણય લેવામાં પણ કરમસદ આણંદ મહાનગરપાલિકા ના કમિશનર અને તેમની ટીમ નગરજનોની સુખાકારી માટે શ્રેષ્ઠ કામ કરી રહી છે તેવું મારું માનવું છે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું.