બંધ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચોમાસાની ઋતુ દરમિયાન નગરજનોને સ્વચ્છ પીવાનું પાણી આપવા કટિબદ્ધ

પ્રકાશિત તારીખ : 18/07/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીમાં સુપર ક્લોરીનેશન કરાશે અને પાણીના નમૂનાઓની ચકાસણી દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરાશે

પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો નાગરિકોને મહાનગરપાલિકાના હેલ્પ લાઇન નંબર ૭૫૭૪૮૩૧૭૨૦/૭૫૭૪૮૩૧૭૧૯ પર  સંપર્ક કરવા અનુરોધ

આણંદ, શુક્રવાર,  કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને શુદ્ધ  પીવાનું પાણી મળી રહે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન તે હેતુથી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ અને ડ્રેનેજ વિભાગની સંયુક્ત ટીમો બનાવીને પાઈપલાઈન નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે પાણી પુરવઠાના નિર્ધારિત સમયગાળા દરમિયાન સુપર ક્લોરીનેશન કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા પાણીમાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ કરવામાં આવે છે. આ સાથે જ પાલિકા દ્વારા વિવિધ સ્થળોએથી પાણીના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં ચકાસણી પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને નાગરિકો સુધી પહોંચતું પાણી સંપૂર્ણપણે સલામત અને સ્વચ્છ હોવાની ખાતરી કરી શકાય.

કરમસદ આણંદ મહાનગરપાલિકા હેઠળની તમામ પાણીની ટાંકીઓ પર અદ્યતન ક્લોરીનેશન પ્લાન્ટ અગાઉથી જ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને જાહેર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ દરરોજ નિયમિતપણે પાણીમાં ક્લોરીનેશન કરવામાં આવે છે. વધુમાં, પાણી સંગ્રહની ટાંકીઓની સમયાંતરે સફાઈ અને જાળવણી સાથે પાણીની ગુણવત્તાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ વિસ્તારમાં પીવાના પાણીના રંગ, ગંધ કે સ્વાદમાં ફેરફાર જણાય તો મનપાના વોટરવર્કસ વિભાગ અથવા મહાનગરપાલિકાના ફરિયાદ નિવારણ કેન્દ્ર અથવા હેલ્પ લાઇન નંબર ૭૫૭૪૮૩૧૭૨૦/૭૫૭૪૮૩૧૭૧૯ પર  સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડવા માટે કટિબદ્ધ છે.