કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાના 885 સફાઈ મિત્રો માટે ‘નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાશે
પ્રકાશિત તારીખ : 17/07/2026
મનપાના સફાઈ કામદારોની આરોગ્ય સુરક્ષાને અપાશે પ્રાધાન્ય
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મનપાના વિવિધ વિસ્તારોમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’ યોજાશે
તા.17 જુલાઈ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર બાકરોલ અને પીપી યુનિટ નહેરુ બાગ આણંદ ખાતે સફાઈ મિત્રો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે
આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરની સ્વચ્છતા જાળવતા મહાનગરપાલિકાના સફાઈ કામદારોના સ્વાસ્થ્યની રક્ષા કાજે એક પહેલ કરવામાં આવી છે. ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાનના ભાગરૂપે ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’ હેઠળ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ મિત્રોની આરોગ્ય સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો છે. મહાનગર પાલિકા તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પાયાના સ્તરે કામ કરતા સફાઈ કર્મયોગીઓને સીધો લાભ પ્રાપ્ત થશે.
આ આયોજન અંતર્ગત જુલાઈ માસ દરમિયાન તારીખ 17 જુલાઈ થી તારીખ 23 જુલાઈ સુધીમાં મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં તબીબી શિબિરો યોજવામાં આવનાર છે. જેમાં તારીખ 17 જુલાઈ શુક્રવારના રોજ સવારે 8:00 કલાકથી બપોરના 12:30 કલાક અને બપોર બાદ ત્રણ કલાકથી 5:30 કલાક સુધી વિદ્યાનગર, બાકરોલ અને નહેરુબાગ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. સફાઈ કર્મીઓની આરોગ્ય તપાસણી હાથ ધરાશે, જેમાં બીપી, સુગર, હિમોગ્લોબીન એટલે કે ડાયાબિટીસ, બીપી અને એનિમિયા ની તપાસ હાથ ધરવામાં આવશે. આ આરોગ્ય તપાસ દરમિયાન કોઈપણ સફાઈ કર્મીને અન્ય રોગના લક્ષણ જણાશે તો વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત તારીખ 20 જુલાઈ ના રોજ પીપી યુનિટ ગણેશ ચોકડી આણંદ ખાતે, તારીખ 21 જુલાઈ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદમાં અને તા.23 જુલાઈના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા પીપી યુનિટ. ઓઝાનો ટેકરો, આણંદમાં તા.21 જુલાઈના રોજ સફાઈ મિત્રો માટે સ્વાસ્થ્ય પરીક્ષણની સગવડ કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાન 31 જુલાઈ સુધી સતત કાર્યરત રહી તમામ સફાઈ કર્મીઓને આરોગ્ય કવચ પૂરું પાડશે.
આ આરોગ્ય તપાસ કેમ્પમાં મનપા હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો તેમજ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. ડો. દીપ્તિ, ડો. શ્રુતિ વાઘેલા, ડો. હલીમા સૈયદ અને ડો. અર્ચનાબેન જેવા અનુભવી ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફ દ્વારા સફાઈ મિત્રોનું ઝીણવટભર્યું મેડિકલ ચેક-અપ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આ તમામ કેમ્પ સ્થળો પર જરૂરી દવાઓની વ્યવસ્થા પણ નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી નિદાન બાદ સફાઈ કામદારોને સ્થળ પર જ જરૂરી સારવાર અને માર્ગદર્શન મળી શકશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ફોર હેલ્થ ડોક્ટર રાજેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની આ સક્રિયતાને કારણે સ્વચ્છ ભારત મિશનના સાચા પ્રણેતા એવા સફાઈ મિત્રોમાં તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિમાં પણ વધારો થશે.