કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સ્માર્ટ આયોજન માટે ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’નો ટૂંક સમયમાં થશે પ્રારંભ; ડ્રોન સર્વે અને GIS મેપિંગથી સજ્જ થશે મહાનગર
પ્રકાશિત તારીખ : 15/07/2026
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા અત્યાધુનિક સર્વેની કામગીરી શરૂ કરાશે: નાગરિકોને સહકાર આપવા અપીલ
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની મિલકતો અને જાહેર સુવિધાઓનું થશે ડિજિટલ મેપિંગ; ડ્રોન કેમેરાથી મહાનગરનો ડેટાબેઝ તૈયાર કરાશે
ટેકનોલોજી આધારિત શહેરી વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે GUDMનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ભૌગોલિક સ્થિતિ અને આંતરમાળખાકીય સુવિધાઓના સચોટ આયોજન માટે “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ અને ટેકનિકલ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા એમનેક્સ ઇન્ફોટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (Amnex Infotechnologies Pvt. Ltd.) ની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારનું આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ મેપિંગ કરવામાં આવશે, જે ભવિષ્યના શહેરી આયોજનમાં પાયારૂપ સાબિત થશે.
પ્રોજેક્ટ હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાધુનિક ડ્રોન (UAV) દ્વારા એરિયલ સર્વે કરવામાં આવશે, જેનાથી મહાનગરના વિસ્તારનું આકાશી નકશાંકન શક્ય બનશે. આ ઉપરાંત, શહેરની પ્રત્યેક મિલકતનો સર્વે કરવામાં આવશે અને જાહેર ઉપયોગિતાઓ જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની લાઈનો, વીજળીનું નેટવર્ક, ગેસ પાઈપલાઈન અને ઓપ્ટિકલ ફાઇબર જેવી તમામ જમીનની અંદર અને જમીન ઉપરની સુવિધાઓનું વિગતવાર મેપિંગ કરવામાં આવશે. આ તમામ વિગતોને GIS (જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) આધારિત શહેરી માહિતી અને એસેટ ડેટાબેઝમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેથી શહેરના સંશાધનોનું સંચાલન વધુ સરળ અને પારદર્શક બની શકે.
સર્વેની આ કામગીરી દરમિયાન એમનેક્સ ઇન્ફોટેકનોલોજીસના અધિકૃત કર્મચારીઓ અને ડ્રોન સર્વેની ટીમ મહાનગરના વિવિધ વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેશે. આ ટીમના તમામ સભ્યો પાસે કંપની દ્વારા આપવામાં આવેલા અધિકૃત ઓળખપત્ર (ID Card) ઉપલબ્ધ હશે. મહાનગરના નાગરિકોને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સર્વે ટીમને જરૂરી સહકાર આપે અને પૂછવામાં આવેલી માહિતી સાચી અને સચોટ રીતે પૂરી પાડે તે ખૂબ જ જરૂરી છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સરકારી માળખા હેઠળ કાર્યરત હોવાથી નાગરિકોએ કોઈપણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના આ વિકાસલક્ષી પ્રક્રિયામાં સહભાગી થવું અત્યંત આવશ્યક છે.
એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતીનો ઉપયોગ માત્ર અને માત્ર શહેરી આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને શાસકીય હેતુઓ માટે જ કરવામાં આવશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ગોપનીયતા જાળવવામાં આવશે અને તેનો કોઈ અન્ય વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્માર્ટ અને સુવિધાયુક્ત બનાવવાના આ ભગીરથ કાર્યમાં જનભાગીદારી અને નગરજનોનો સહકાર એ મહાનગરના ઉજ્જવળ ભવિષ્ય અને સુઆયોજિત વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ યોગદાન બની રહેશે.