બંધ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ‘લોક કલ્યાણ મેળા’ દ્વારા ફેરિયાઓનું આર્થિક સશક્તિકરણ કરાયું

પ્રકાશિત તારીખ : 10/06/2026

નાના વેપારીઓને લોન સહાય પૂરી પાડવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગામડી ખાતે આયોજિત મેળામાં લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ માટે સમજ અપાઈ

જૂન-૨૦૨૬ દરમિયાન દર સોમવાર અને મંગળવારે યોજાશે વિશેષ લોક કલ્યાણ મેળા

૧૫ થી ૫૦ હજાર સુધીની લોન અને ક્રેડિટ કાર્ડ સહાય માટે ફેરિયાઓમાં ભારે ઉત્સાહ

બેંકો સાથેના સંકલન દ્વારા ડિસબર્સમેન્ટની પ્રક્રિયા સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી

આણંદ, મંગળવાર, કરમસદ–આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયાના  માર્ગદર્શન હેઠળ નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત નાના ફેરિયાઓ અને શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે મોગરી અને ગામડી ઓફિસ ખાતે ‘લોક કલ્યાણ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના વિશેષ અભિયાનના ભાગરૂપે જૂન-૨૦૨૬ દરમિયાન દર સપ્તાહના સોમવાર અને મંગળવારે આ મેળાઓ યોજવાનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ફેરિયાઓએ હાજર રહી યોજનાનો લાભ લીધો હતો.

આ મેળા દરમિયાન ફેરિયાઓને તેમની વ્યવસાયિક જરૂરિયાતો મુજબ રૂપિયા ૧૫,૦૦૦, ૨૫,૦૦૦ અને ૫૦,૦૦૦ સુધીની લોન સહાય ઉપલબ્ધ કરાવવા માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આર્થિક વ્યવહારોને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ક્રેડિટ કાર્ડ મેળવવા ઈચ્છતા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. તદુપરાંત, જે લાભાર્થીઓએ અગાઉ આ યોજના હેઠળ લોન પ્રાપ્ત કરી છે, તેઓનું પ્રોફાઇલિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી તેમની પ્રગતિનું મૂલ્યાંકન થઈ શકે.

વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ બેંકો સાથે અસરકારક સંકલન સાધવામાં આવ્યું હતું. જેના પરિણામે, લોન વિતરણ એટલે કે ડિસબર્સમેન્ટની પ્રક્રિયા અત્યંત કાર્યક્ષમ અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વેપારીઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે, જે દિશામાં આ મેળો એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયો છે.