બંધ

આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર બાદ વધુ એક હોટલ સીલ કરાઈ

પ્રકાશિત તારીખ : 20/03/2025

આણંદ સોજીત્રા રોડ પર આવેલ હોટલ “સીટી પોઇન્ટ” માં કિચનમાં ગંદકી, જીવ જંતુ મળી આવતા આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દના આદેશ અન્વયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે.

આ તપાસણી દરમિયાન આણંદ કલેકટર કચેરી અને જુના જિલ્લા સેવાસદનની વચ્ચે આવેલ હોટલ “સીટી પોઇન્ટ” ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે.

મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટલ “સીટી પોઇન્ટ” ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટોમાં સાફસફાઈ યોગ્ય  ન હતી, ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો, તથા એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવેલ હોય, આ ઉપરાંત રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળેલ છે અને કિચન ખાતે જ ગટર ખુલ્લી જોવા મળેલી છે, આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાના કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376-A અંતર્ગત સીલ કરવામાં આવી છે.