આણંદ મહાનગરપાલિકાને છેલ્લા બે માસમાં દુકાનોના ભાડા સહિત અન્ય વસુલાતથી રૂપિયા ૬.૪૩ કરોડ ઉપરાંતની આવક થઈ
પ્રકાશિત તારીખ : 06/03/2025
આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારની કોમર્શિયલ દુકાનો દ્વારા વેરાની બાકી રકમ ના ભરનાર ૧૮ જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને મિલકત વેરા ત્વરિત ભરવા અનુરોધ.
આણંદ મહાનગરપાલિકા ખાતે તા.૩૧ માર્ચ સુધી રજાના દિવસોમાં પણ ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૬-૦૦ કલાક સુધી મિલકત વેરો ભરી શકાશે.
આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે શ્રી મિલિંદ બાપના ની નિમણૂક કરવામાં આવી છે.
કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા મહાનગરપાલિકાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસુલાતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની ટેક્સ શાખાની ટીમ તૈયાર કરવામાં આવી છે, આ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે માટે ટીમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આણંદ મહાનગરપાલિકાની દુકાનોના ભાડાની વસુલાત ઉપરાંત ઘરવેરાની વસુલાત અને વ્યવસાય વેરાની વસુલાત મહત્તમ થાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત.
આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં બાકી વેરો ના ભરનાર ૧૮ જેટલી કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં આજે જીટોડીયા રોડ ઉપર આવેલ દેવપ્રિય ઇન્ફા. પ્રાઇવેટ લિમિટેડ, અંશ એકલેવ કોમ્પ્લેક્સની બે દુકાન અને ત્રણ ફ્લેટ બાકી મિલકત વેરાના વસુલાત સંબંધે સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત આણંદ વિસ્તારમાં ૩૬૦૦, વિદ્યાનગર વિસ્તારમાં ૩૯૦૦ અને કરમસદ વિસ્તારમાં ૩૦૮ મળીને કુલ ૭૭૦૮ લોકોને વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી છે, અને હજી બાકી રહેલા લોકોને વેરો ભરવાની નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે.
આણંદ મહાનગર પાલિકાની દુકાનોની ભાડાની કુલ આવક છેલ્લા બે મહિનામાં એટલે કે તારીખ ૧ લી જાન્યુઆરી ૨૦૨૫ થી તારીખ ૦૩ માર્ચ ૨૦૨૫ સુધી રૂપિયા ૧૭,૧૧,૭૫૪ ની થઈ છે. જ્યારે મિલકત વેરાની આવક ની વાત કરીએ તો આણંદ માં ૩.૬૩ કરોડ ઉપરાંત, વિદ્યાનગરમાં ૩૦.૨૨ લાખ ઉપરાંત, કરમસદ વિસ્તારમાં ૪૩.૩૩ લાખ ઉપરાંત, લાંભવેલ માં ૧.૪૮ લાખ ઉપરાંત, ગામડીમાં ૫૪,૮૬૧, મોગરીમાં ૧.૪૭ લાખ ઉપરાંત અને જીટોડીયામાં ૧.૩૫ લાખ ઉપરાંત મળીને કુલ ૪.૪૧ કરોડ ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે અને દુકાન અને સંસ્થાઓમાંથી લેવામાં આવતા વ્યવસાયવેરાની કુલ આવક ૧.૮૫ કરોડ ઉપરાંતની થઈ છે.
આમ, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન કુલ ૬.૪૩ કરોડ ઉપરાંતની વસુલાત કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને તેમના મિલકત વેરા આણંદ મહાનગરપાલિકા ખાતે ભરવા માટે તારીખ ૩૧ માર્ચ સુધી ધુળેટી ની રજા સિવાય રજાના દિવસો દરમિયાન પણ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૬-૦૦ કલાક સુધી મિલકત વેરો ભરી શકાશે, જેથી તુરત જ મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.