આણંદ ટાઉન પોલીસ મથકની મુલાકાત લેતા વલાસણની શીવમ સ્કુલનાં વિદ્યાર્થીઓ
પ્રકાશિત તારીખ : 18/03/2025
પોલીસની કામગીરીની માહિતી મેળવી પ્રોત્સાહિત બન્યા
આણંદ તાલુકાના વલાસણ ગામની શિવમ સ્કુલનાં ધો. ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓએ આજે આણંદ ટાઉન પોલીસ મથકની મુલાકાત લઈને પોલીસની વિવિધ કામગીરીની માહિતી મેળવી હતી.
શિવમ સ્કુલનાં ધો.૬ થી ૮નાં વિદ્યાર્થીઓ આજે આણંદ ટાઉન પોલીસ મથકે આવી પહોંચતા ટાઉન પોલીસ મથકનાં શી ટીમનાં એએસઆઈ નયનાબેન શર્માએ વિદ્યાર્થીઓને પોલીસ મથકનાં પોલીસ સ્ટેશન ઓફીસર,વાયરલેસ વિભાગ,પોલીસ કસ્ટ઼ડી સહીત જુદા જુદા વિભાગોની મુલાકાત કરાવી હતી અને પોલીસની કામગીરી અંગે સમજ આપી હતી.
આ ઉપરાંત પોલીસનાં આધુનિક હથીયારો બતાવી હથીયારો અંગેની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
એએસઆઈ નયનાબેન શર્માએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે, અને પ્રજાની સુરક્ષા માટે પોલીસ પોતાની ફરજ બજાવે છે.
તેમણે વિદ્યાર્થીઓને સારા કામ કરવા, ઉદાહરણરૂપ બનવા અને જીવનમાં પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરવા જણાવી વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. આ તબક્કે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાતથી ખુશી વ્યક્ત કરી હતી.
