બંધ

આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ પાંચ ‘મૈત્રી કેન્દ્રો’ સ્થાપવા માટે મૈત્રી વર્કરોની ભરતી કરાશે

પ્રકાશિત તારીખ : 20/08/2026

પશુપાલકોને ઘરબેઠા કૃત્રિમ બીજદાન અને પ્રાથમિક પશુસારવાર પૂરી પાડવા આણંદ જિલ્લામાં મૈત્રી યોજનાનો અમલ

ઉમેદવારોએ સાત દિવસમાં તાલુકા પશુદવાખાને અરજી કરવાની રહેશે

આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના પશુપાલકોને પશુપાલનની અદ્યતન સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુળ મિશન પ્રોજેક્ટ અંતર્ગત નાયબ પશુપાલન નિયામકની કચેરી, આણંદ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મૈત્રી એટલે કે ‘મલ્ટીપરપઝ આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન ટેકનિશિયન્સ ઇન રૂરલ ઇન્ડિયા’ (MAITRIs) કેન્દ્રો સ્થાપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આણંદ જિલ્લામાં પાંચ નવા ‘મૈત્રી કેન્દ્રો’ કાર્યરત કરવામાં આવશે, જ્યાં મૈત્રી વર્કર તરીકે પશુપાલન ક્ષેત્રે સેવા આપવા ઈચ્છતા સ્થાનિક યુવાનોને રોજગારી અને સેવાની તક સાંપડશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ પશુપાલકોને તેમના ઉંબરે જ કૃત્રિમ બીજદાન અને પ્રાથમિક પશુસારવાર જેવી પાયાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેન્દ્રો પર કામ કરનારા મૈત્રી વર્કરો પશુપાલકોને ઘરબેઠા સેવાઓ પૂરી પાડશે, જેનાથી પશુધનની ઓલાદ સુધારણા અને પશુઓના આરોગ્ય વ્યવસ્થાપનમાં નોંધપાત્ર ફાયદો થશે.

આ યોજના હેઠળ મૈત્રી વર્કર તરીકે સેવા આપવા માંગતા અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આણંદ જિલ્લાના સંબંધિત તાલુકા પશુદવાખાના ખાતેથી અરજી પત્રક મેળવીને તેમાં જરૂરી તમામ વિગતો ભરીને પરત સબમિટ કરવાનું રહેશે.

અરજી કરવા ઈચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન-૭ (સાત દિવસ) માં પોતાની અરજીઓ જે-તે તાલુકા પશુદવાખાના ખાતે પહોંચતી કરવાની રહેશે.

પશુપાલન ક્ષેત્રે રુચિ ધરાવતા અને ગ્રામીણ સ્તરે પશુધનની સેવામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારોને આ તકનો લાભ લેવા માટે નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.