આણંદ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
પ્રકાશિત તારીખ : 20/03/2025
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો તથા ઔદ્યોગિક એકમો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે.
આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, દુકાન કે ગોડાઉન માલિક પોતે કે એજન્ટ મારફતે મકાન ભાડે આપે ત્યારે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ અને સરનામા (ફોટા સાથે) તેમજ મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ સરનામું સહિતની વિગતો મેળવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે, તેમજ ઔદ્યોગિક એકમ, વાણિજ્યિક પ્રવૃતિ કરતા એકમ તથા ઇટ ભઠ્ઠાઓના માલિકો અથવા લેબર કોન્ટ્રાકટરો કોઇપણ અજાણ્યા ઇસમોને અથવા રાજ્ય કે દેશ બહારના હોય તેવા કોઇપણ ઇસમને કામે રાખે અને કામચલાઉ કે કાયમી રહેઠાણની વ્યવસ્થા કરી આપે તો આવા તમામ ઇસમોના ફોટો ઓળખપત્ર સહિતની વિગતો મેળવી તે સાથે એકમ ફેકટરી કે ઈંટભઠ્ઠા કે કોન્ટ્રાક્ટરનું નામ, જવાબદાર વ્યક્તિનું નામ અને સરનામુ, ક્યારથી માણસો રાખ્યા છે તેની વિગત, જે વ્યક્તિઓને કામ પર રાખવામાં અને રહેઠાણ આપવામાં આવ્યા છે તેમના નામ અને સરનામા, કામે રાખેલ માણસોને રહેઠાણ-પાણી-વીજળી જેવી પ્રાથમિક સુવિધા આપી છે કે કેમ તેની વિગત, કામદારના ફોટા તથા ફોટો ઓળખપત્રની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
આ જાહેરનામું તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.