બંધ

આણંદ જિલ્લામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત

પ્રકાશિત તારીખ : 20/08/2026

આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

સુરક્ષા એજન્સીઓએ સિક્યુરિટી સ્ટાફની સંપૂર્ણ વિગતો હવે SOG શાખાને સુપરત કરવી પડશે

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને સંભવિત અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જારી કરાયેલા આ આદેશ મુજબ, જિલ્લામાં કાર્યરત તમામ ખાનગી સિક્યુરિટી એજન્સીઓએ તેઓના દ્વારા રાખવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરનું પોલીસ વેરિફિકેશન કરાવવું હવે ફરજિયાત રહેશે. આ હુકમ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ થી આગામી ૬૦ દિવસ સુધી સમગ્ર આણંદ જિલ્લાના અધિકાર ક્ષેત્રમાં અમલી રહેશે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો અને કેમિકલ કંપનીઓ આવેલી છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા જાન-માલનું નુકશાન થવાની ભીતિ રહેલી છે. ખાસ કરીને જી.આઈ.ડી.સી. વિસ્તારો, મોટા ઉદ્યોગો, સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો, હોટલ, એ.ટી.એમ., રિસોર્ટ, ફરવાના સ્થળો, ધાર્મિક સ્થળો, મેળાઓ, શોપિંગ મોલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં સુરક્ષા માટે ખાનગી એજન્સીઓના કર્મચારીઓ તૈનાત હોય છે. ઘણીવાર આ એજન્સીઓ પોલીસને જાણ કર્યા વગર અથવા યોગ્ય તપાસ વગર કર્મચારીઓની ભરતી કરતી હોય છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે.

આ જાહેરનામા અનુસાર, દરેક ખાનગી સિક્યુરિટી એજન્સીએ તેમના કર્મચારીઓનો સંપૂર્ણ બાયોડેટા તૈયાર કરવાનો રહેશે. આ બાયોડેટાની સાથે કર્મચારીના ફોટા સહિતની તમામ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન અને આણંદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાને સત્વરે જાણ કરવાની રહેશે. સિક્યુરિટી ગાર્ડ કે ગનમેનને ફરજ પર રાખતા પહેલા એજન્સીઓએ ફરજિયાતપણે પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરી તેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયામાં કર્મચારીના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ સામેલ કરવી પણ અનિવાર્ય છે.

જાહેરનામામાં દર્શાવવામાં આવેલ આદેશોનું જે એજન્સીઓ અથવા વ્યક્તિઓ ઉલ્લંઘન કરશે અથવા ઉલ્લંઘનમાં મદદગાર થશે, તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.