આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા ૧૦ દિવસીય મેગા સર્વે : ૨.૫૬ લાખ ઘરોમાં થશે તપાસ
પ્રકાશિત તારીખ : 06/06/2026
રક્તપિત્ત નાબૂદી માટે આણંદ જિલ્લામાં ૧૧૮૮ ટીમો સજ્જ : ૮ જૂનથી ૧૮ જૂન સુધી સઘન ઝુંબેશ
વહેલા નિદાન અને સચોટ સારવાર દ્વારા રક્તપિત્તને જડમૂળથી ઉખેડવા આણંદ આરોગ્ય વિભાગનું આયોજન
આણંદ જિલ્લામાં રક્તપિત્તના વહેલા નિદાન માટે સઘન શોધખોળ અભિયાન
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાને રક્તપિત્ત જેવી ગંભીર બિમારીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૮ જૂન ૨૦૨૬ થી ૧૮ જૂન ૨૦૨૬ દરમિયાન સઘન ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’ (LCDC) હાથ ધરવામાં આવશે. આ મહત્વકાંક્ષી ઝુંબેશ અંતર્ગત સમગ્ર જિલ્લાના અંદાજે ૨.૫૬ લાખ ઘરોમાં પ્રત્યક્ષ મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્તના છૂપા કેસોને વહેલી તકે શોધી કાઢી, તેમને સમયસર સારવાર આપી બિમારીને નાબૂદ કરવાનો છે. આણંદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ૫૪ થી ૬૦ જેટલા રક્તપિત્તના નવા દર્દીઓ નોંધાતા હોય છે, જે બાબતને ધ્યાને રાખી જિલ્લા ક્ષય અધિકારી દ્વારા આ વર્ષે વધુમાં વધુ કેસો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ મેગા સર્વેની સફળતા માટે જિલ્લા ક્ષય વિભાગ દ્વારા કુલ ૧૧૮૮ જેટલી ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો માત્ર રહેણાંક વિસ્તારો સુધી મર્યાદિત ન રહેતા, જિલ્લાના ઔદ્યોગિક એકમો, ફેક્ટરી વસાહતો, ઈંટોના ભઠ્ઠા, તમાકુની ખળીઓ, વિવિધ હોસ્ટેલો અને વૃદ્ધાશ્રમો જેવી જગ્યાઓએ પણ જઈને તપાસ કરશે. આ ઝુંબેશ દરમિયાન જે વ્યક્તિઓમાં રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જોવા મળશે, તેમનું તબીબો દ્વારા ચોકસાઈપૂર્વક નિદાન કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ત્વરિત દવાઓ અને સારવાર શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રક્તપિત્ત એ માઈકોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે ખાસ કરીને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે ૬ થી ૩૦ વર્ષની વયના લોકોમાં આ રોગ થવાની શક્યતાઓ વધુ રહેલી છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં શરીર પર આછા ઝાંખા અથવા રતાશ પડતા ચામઠા દેખાવા, જેમાં સંવેદનાનો અભાવ હોય કે પરસેવો ન વળતો હોય તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાથ-પગમાં બહેરાશ આવવી પણ રક્તપિત્તનું સંકેત હોઈ શકે છે. જો આ રોગનું સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો હાથ, પગ અને ચહેરા ઉપર વિકૃતિ આવી શકે છે, જેમાં આંગળીઓ વળી જવી કે આંખો પૂરી બંધ ન થવી જેવી ગંભીર અસરો થઈ શકે છે.
જિલ્લા ક્ષય અધિકારીના જણાવ્યા અનુસાર, રક્તપિત્ત એ અસાધ્ય રોગ નથી. MDT (મલ્ટી ડ્રગ થેરાપી) સારવાર પદ્ધતિ દ્વારા રક્તપિત્ત ચોક્કસપણે અને સંપૂર્ણપણે મટી શકે છે. સમયસર લેવામાં આવેલી સારવારથી શરીરમાં આવતી સંભવિત વિકૃતિઓને અટકાવી શકાય છે. જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ ઝુંબેશ દરમિયાન આરોગ્યની ટીમોને પૂરતો સહયોગ આપવામાં આવે જેથી રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓનું ત્વરિત નિદાન કરી તેમને યોગ્ય સારવાર હેઠળ લાવી શકાય અને આણંદ જિલ્લાને આ બિમારીમાંથી મુક્તિ અપાવી શકાય.