આણંદ જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડ કરી
પ્રકાશિત તારીખ : 28/03/2025
આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ખાતે આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને મુક્ત કરાવ્યો.
વિદ્યાનગર ખાતે સંસ્થા પ્રતાપ ભાજીપાવ અને પુલાવ તથા જોષી કિચનના માલિકને તરૂણ શ્રમયોગીઓ રાખવા બદલ નિયમન નોટિસ.
ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી.
આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલમાં આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી વિદ્યાનગર બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા આ અંગે ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આણંદ જિલ્લાની ટાસ્કફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ગામે આવેલ ન્યુ ટોપ બ્રિક્સ સંસ્થામાં બાળમજૂરી નાબુદી અન્વયેની જિલ્લા ટ્રાસ્કફોર્સ સમિતિ આણંદની ટીમના સરકારી શ્રમ અધિકારી પી.એન.નિનામા, આર.કે.બારોટ, આણંદ મહાનગર પાલિકા, આણંદના એ.જે.પરમાર, ડીસીપીયુ, આણંદ દ્વારા રેઈડ પાડવામાં આવી હતી.
આ દરમિયાન ટીમને ન્યુ ટોપ બ્રિક્સમાં એક બાળકને મજૂરી કરાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ટીમે બાળમજૂરને મુક્ત કરાવી જરૂરી નિવેદન લઈ વિદ્યાનગર ચિલ્ડ્રન હોમમાં સોપ્યો હતો.
આંકલાવ પોલીસે આ અંગે સરકારી શ્રમ અધિકારીની ફરિયાદના આધારે ન્યુ ટોપ બ્રિક્સના માલિક ઇસ્લામનબી દોલતશેરખાન વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ- ૧૯૮૬ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા વિદ્યાનગર ખાતે રેઇડનું આયોજન કરી સંસ્થા પ્રતાપ ભાજીપાવ & પુલાવ તથા જોષી કિચનના માલિકને તરૂણ શ્રમયોગીઓ રાખવા બદલ બાળ અને તરૂણ શ્રમયોગી(પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ અને તે અન્વયેના ગુજરાત નિયમો હેઠળ સરકારી શ્રમ અધિકારી, આણંદ દ્વારા સંસ્થાને નિયમન નોટીસ આપવામાં આવી છે, સરકારી શ્રમ અધિકારી, આણંદ દ્વારા જણાવાયુ છે.