બંધ

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા તા.૨૬ ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

પ્રકાશિત તારીખ : 20/08/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરવા માટે i-Khedut પોર્ટલ તા.૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬ સુધી ખુલ્લું મૂકવામાં આવનાર છે. આણંદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો બાગાયત ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અથવા નવી શરૂઆત કરવા માંગે છે, તેઓ આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજના હેઠળ અનેક મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટામેટા, મરચાં તેમજ અન્ય શાકભાજી માટે કાચા મંડપ અને ટ્રેલીઝ મંડપ વાવેતર તેમજ અર્ધ પાકા ટ્રેલીઝ મંડપ વાવેતરનો સમાવેશ થાય છે. વધુમાં, કેળ ટીસ્યુ કલ્ચર દ્વારા ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેનો કાર્યક્રમ, કમલમ ફ્રુટ (ડ્રેગન ફ્રુટ) વાવેતર સહાય, અને ટીસ્યુ ખારેકની ખેતી માટે પણ વિશેષ સહાય પૂરી પાડવામાં આવશે. ખેતી ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે જરૂરી સાધનો જેવા કે વજન કાંટા અને પ્લાસ્ટિક કેરેટ માટે પણ ખેડૂતો અરજી કરી શકશે. સરકાર દ્વારા રાઈઝોમેટીક પાકો જેવા કે આદુ અને હળદરના વાવેતરને પ્રોત્સાહન આપવા તેમજ શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે પણ સહાયના ઘટકો નક્કી કરવામાં આવ્યા છે.

અરજી કરવા ઈચ્છતા આણંદ જિલ્લાના ખેડૂતોએ i-Khedut પોર્ટલની સત્તાવાર વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર જઈને ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નોંધનીય છે કે નવીન i-Khedut પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી તમામ દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ આઉટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે, તેમ વધુમાં જણાવવામાં આવ્યુ છે.