બંધ

આણંદ કૃષિ યુનિવર્સિટી  ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 24/03/2025

જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતાં કુલ ૪૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો

આણંદ,સોમવાર: એગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૭ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગ, બીએસીએ, ડો. વી. જે. પટેલના અધ્યક્ષસ્થાને  ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તાલીમમાં વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મેહસાણા અને પાટણ જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૨૦ ભાઈઓ તથા ૨૪ મહિલાઓ મળી કુલ ૪૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને  અવગત કરાવવામાં આવ્યા હતા.

વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે.

આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને આણંદની આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત દેવેશભાઈ પટેલ (બોરીયાવી), અરૂણભાઈ શાહ (સંજીવની ફાર્મ, પીપળાતા) ઉમેશગીરી ગોસ્વામી (ગીરી ફાર્મ, નરસંડા) અને એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર લેવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન અખતરાઓની પણ રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિના કાર્યક્રમના અંતમાં તાલીમ લીધેલ ખેડૂતોનો અભિપ્રાય પણ લેવામાં આવેલ.

આ પ્રસંગે ડૉ. પી. એમ. પટેલ, ડૉ. એ. પી. પટેલ અને ડૉ. એમ. એચ. ચાવડા સહીત ખેડૂત વર્ગ  ઉપસ્થિત રહ્યો હતો.

Training Program on 'Natural Farming' Held at Anand Agricultural University 1

આણંદ કૃષિ યુનિવર્સિટી  ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

Training Program on 'Natural Farming' Held at Anand Agricultural University 2