આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો
પ્રકાશિત તારીખ : 19/03/2025
આણંદ, મંગળવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે એસ.એમ.સી. ડેરી સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગરના રજિસ્ટ્રારશ્રી ડો.કે.કે.હડિયા દ્વારા મહિલાઓએ કાયદાનો દુરપયોગ ના થાય અને જરૂરિયાત હોય તે તમામ સ્ત્રીઓ કાયદાથી માહિતગાર થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.
કાયદા નિષ્ણાંત શ્રી નીલ શાહ દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-૨૦૧૩ કેસો તથા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ માળખાઓ અને જાતિગત સમાનતાનો ખ્યાલની સમજ ઉપરાંત વિવિધ મહિલા લક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
ડેરી સાયન્સ કોલેજ ના પ્રિન્સીપાલશ્રી ડો. સુનિતાબેન પિન્ટો તથા કોલેજની આંતરિક ફરિયાદ સમિતિના ચેરમેનશ્રી ડો.સીજાબેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ સેમિનારમાં કોલેજના પ્રોફેસરગણ તથા કોલેજની જુદી જુદી ફેકેલ્ટીની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
