આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી
પ્રકાશિત તારીખ : 29/09/2026
શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકરોનું સન્માન અને તંદુરસ્ત બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે પુરસ્કૃત કરાયા
સરકારી યોજનાઓના લાભો અને પોષણયુક્ત આહાર અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
આણંદ, સોમવાર, આણંદ ઘટક ૨ ના ગામડી સ્થિત વૃંદાવન સોસાયટી આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી આણંદ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ ઝીલુભા સીંધાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી ઝીલુભા સીંધાએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી તમામ લાભાર્થીઓને નિયમિતપણે આ લાભો મેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે પોષણ અંગે જાગૃતિ લાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા ગ્રામજનોને અપીલ કરી હતી.
સીડીપીઓ દ્વારા ઉપસ્થિત કિશોરીઓ અને માતાઓને સ્વાસ્થ્યની જાળવણી, વ્યક્તિગત સ્વચ્છતા અને પોષણક્ષમ આહાર બાબતે વ્યાવહારિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે બાળકોના પોષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપતા તમામ ઉપસ્થિત બાળકોને તાજા ફળ તથા પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં પોષણ સ્તર સુધારવાના હેતુથી જે બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, તેમને ‘પોષણ ચેમ્પિયન’ જાહેર કરવામાં આવ્યા હતા અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાયાના સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરી તેમને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે સગર્ભા-ધાત્રી બહેનો તેમજ કિશોરીઓને મુખ્યમંત્રીશ્રીનો વિશેષ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાભાર્થી બહેનોને સરકારશ્રીની યોજના હેઠળ ટેક હોમ રાશન (THR) ના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લાભાર્થીઓને ગ્રામ્ય સ્તરે કુપોષણ નાબૂદ કરવાના આશય સાથે પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાગ બગીચા સમિતિના ચેરમેન રોહિતભાઈ વાઘેલા, વોર્ડ નંબર-૫ ના કોર્પોરેટર રંજનબેન વસાવા, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા કાર્યકરો, ગ્રામજનો, કિશોરીઓ અને માતાઓ હાજર રહ્યા હતા.

આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી

આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી

આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી