બંધ

આજથી આણંદ ખાતે દર મંગળવારે ભરાશે ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’

પ્રકાશિત તારીખ : 20/01/2026

નગરજનોને ખેડૂતો પાસેથી રસાયણમુક્ત અને શુદ્ધ શાકભાજી ખરીદવાની તક

​આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદ દ્વારા એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવામાં આવશે.

આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને રસાયણ રૂપી ઝેરથી મુક્ત, તાજા અને શુદ્ધ શાકભાજી મળી રહે તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે માટેનો છે. તારીખ ૨૦/૦૧/૨૦૨૬ થી આ અભિયાન વેગવંતુ બનશે, જેમાં દર મંગળવારે બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૩૦ કલાક દરમિયાન ગ્રાહકો સીધા જ ખેડૂત પાસેથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કરેલા શાકભાજીની ખરીદી કરી શકશે.

રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેત પેદાશ પ્રત્યે લોકજાગૃતિ વધી રહી છે. જેને ધ્યાને લઈ આણંદમાં કરવામાં આવેલ આ આયોજન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપી ‘ખેડૂતથી સીધું ગ્રાહક સુધી’ ના મંત્રને સાકાર કરવાની એક સહિયારો પ્રયાસ છે.    

વધુમાં જણાવ્યા મુજબ પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આ કેન્દ્ર પર ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ આપવામાં આવશે નહીં, તેથી ગ્રાહકોને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આણંદના શહેરીજનોને પોતાના મિત્રો અને પડોશીઓ સાથે મળી આ તકનો લાભ લેવા અને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે.