અમદાવાદ: વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં ૨૯,૪૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું; નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના
પ્રકાશિત તારીખ : 24/07/2026
સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૧ દરવાજા ખોલાયા: તંત્ર દ્વારા પૂર નિયંત્રણના આગોતરા પગલાં લેવાયા
આણંદ, ગુરૂવાર, અમદાવાદમાં સાબરમતી નદી પર સ્થિત વાસણા બેરેજ ખાતે પાણીની સપાટીમાં સતત વધારો થતા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા સાવચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, ૨૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૪૦ કલાકે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીના હેઠવાસમાં ૨૯,૪૬૧ ક્યુસેક (૮૩૪.૩૧ ક્યુમેક) જેટલો પાણીનો જથ્થો છોડવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં જળાશયની સપાટી ૧૩૧.૭૫ ફૂટ (૪૦.૧૫ મીટર) પર પહોંચતા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાસણા બેરેજના પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, નદીમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે બેરેજના કુલ ૧૧ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં દરવાજા નંબર ૧૯ થી ૨૪ સુધીના ૬ દરવાજાઓને ૩ ફૂટ જેટલા, દરવાજા નંબર ૨૫ થી ૨૮ સુધીના ૪ દરવાજાઓને ૪ ફૂટ જેટલા અને દરવાજા નંબર ૨૯ ને ૧ ફૂટ જેટલો ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાણીના આ વિશાળ જથ્થાના પ્રવાહને પગલે સાબરમતી નદીના કિનારા અને હેઠવાસના વિસ્તારોમાં જળસ્તર વધવાની શક્યતા છે.
સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને નીચાણમાં આવતા ગામોને સાવધ રહેવા જણાવાયું છે.
પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ, અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા જારી કરાયેલા આ સંદેશા મુજબ આણંદ જિલ્લામાં ખંભાત અને તારાપુર તાલુકાના નીચાણવાળા ગામોના નાગરિકોની સલામતી જાળવવા અને કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણપણે સજ્જ છે.