બંધ

અમદાવાદના વાસણા બેરેજમાંથી આજે બપોરે 12-20 કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડાયું

પ્રકાશિત તારીખ : 24/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૫ દરવાજા ખોલાયા

આણંદ, ગુરૂવાર, અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના ઉપરવાસમાં પાણીની સતત આવકને પગલે આજે તા.૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૨૦ કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પુર નિયંત્રણ કક્ષ દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ, નદીની જળ સપાટી જાળવી રાખવા માટે બેરેજના કુલ ૧૫ દરવાજાઓ વિવિધ ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે, જેમાં દરવાજા નંબર ૧૫ થી ૨૯નો સમાવેશ થાય છે. હાલમાં જળાશયની સપાટી ૧૨૯.૫૦ ફૂટ એટલે કે ૩૯.૪૭ મીટર પર પહોંચી છે, જેના કારણે નદીના હેઠવાસમાં પ્રવાહ તેજ બન્યો છે.

આ પાણીના જથ્થાના નિકાલને પગલે સાબરમતી નદીના હેઠવાસમાં આવતા આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને વહીવટી તંત્રની ટીમ દ્વારા સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.