આણંદ જિલ્લામાં ૧૨ ઓક્ટોબરે ‘NPS સંચય યાત્રા’નું આગમન

પ્રકાશિત તારીખ : 07/10/2026

નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય અને પેન્શન આયોજન માટે અપાશે માર્ગદર્શન

લીડ બેન્ક આણંદ દ્વારા NPS અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન: અમૂલ ડેરી, આણંદ શહેરના વિવિધ સ્થળો અને દૂધ મંડળીઓ ખાતે યોજાશે કાર્યક્રમ

આણંદ, મંગળવાર,  આણંદ જિલ્લામાં આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘NPS સંચય યાત્રા’નું આગમન થઈ રહ્યું છે. NPS દિવસ ૨૦૨૬ અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રા દ્વારા નાગરિકોને તેમના સુરક્ષિત નાણાકીય ભવિષ્ય અને નિવૃત્તિ બાદના સન્માનજનક જીવન માટે પેન્શન આયોજનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

લીડ બેન્ક ઓફિસ, આણંદના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ તૈયાર કરવામાં આવેલી NPS સંચય યાત્રા વાન જિલ્લાના વિવિધ વ્યૂહાત્મક સ્થળોની મુલાકાત લેશે. આ યાત્રાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન અમૂલ ડેરી કેમ્પસ ખાતેથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ કલાક દરમિયાન આણંદ શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં આ વાન પરિભ્રમણ કરશે. બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ દૂધ મંડળીઓ ખાતે પહોંચીને ગ્રામીણ જનતા અને પશુપાલકોને પણ પેન્શન યોજનાના લાભોથી માહિતગાર કરવામાં આવશે.

આ યાત્રા દરમિયાન બેન્ક ઓફ બરોડા સહિત અન્ય બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ અને વિશેષ તાલીમપ્રાપ્ત પ્રતિનિધિઓ સ્થળ પર હાજર રહી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે. નાગરિકોને NPS ખાતું ખોલાવવાની સરળ પ્રક્રિયા, ફાળવણી, સ્વૈચ્છિક રોકાણ અને તેનાથી મળતા કરવેરાના લાભો જેવી તકનીકી બાબતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે.

આણંદ જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, ખેડૂતો, વેપારીઓ અને સહકારી મંડળીઓના સભ્યોને આ NPS સંચય યાત્રાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ આયોજન કરવું અનિવાર્ય છે. આ મોબાઈલ વાનની મુલાકાત લઈ વધુમાં વધુ લોકો આ સરકારી પેન્શન યોજનાનો લાભ લે અને સુરક્ષિત ભવિષ્યનો મજબૂત આધાર તૈયાર કરે તેવો અનુરોધ બેન્ક ઓફ બરોડા, આણંદ દ્વારા કરવામાં આવ્યો છે.