તા. 03 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના નાપાડ વાંટા, બોરસદ તાલુકાના વિરસદ, ખંભાત તાલુકાના ઉંદેલ અને પેટલાદ નગરપાલિકા ખાતે સવારે 9:00 કલાકથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થશે
આણંદ,ગુરુવાર,આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 03 ઓક્ટોબર શનિવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના નાપાડ વાંટાની પ્રાથમિક કન્યા શાળા ખાતે આજુબાજુના ૦૫ ગામો નાપાડ વાંટા,અડાસ,સુંદણ,નાપાડ તલપદ ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તેવી જ રીતે આ જ દિવસે બોરસદ તાલુકાના વિરસદ ગામે શ્રી વસનદાસ હાઈસ્કૂલ, રાણોલી રોડ, વિરસદ ખાતે આજુબાજુના ૦૯ ગામો ચુવા, ઉનેલી, રુદેલ, જંત્રાલ, દાદપુરા,ગોરેલ,રણોલી,ખાનપુર અને વિરસદ ગામના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ જ દિવસે ખંભાત તાલુકાના ઉંદેલ પ્રાથમિક શાળા ખાતે ૧૦ ગામો ઉંદેલ, રંગપુર, માલુ, કાણીસા, હરિયાણ, ટીમ્બા, સાયમા, જલસણ, ફીણાવ અને ભૂવેલ ખાતે યોજાશે જેનો ગ્રામજનો લાભ મેળવી શકશે અને તે જ દિવસના અંતે પેટલાદ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ એન.કે. હાઈસ્કૂલ પેટલાદ ખાતે યોજાશે.
આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો, નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.