બંધ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની નવી આકારણી સર્વે કામગીરી શરૂ: નાગરિકોને સહયોગ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અપીલ

પ્રકાશિત તારીખ : 22/09/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલકતોની નવેસરથી માપણી અને આકારણી કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘GUDM’ ના ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ ‘એમ-નેક્સ્ટ ઇન્ફોટેક’ (M-Next Infotech) કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ યોજના અંતર્ગત એમ-નેક્સ્ટ ઇન્ફોટેક કંપનીના સર્વેયર અને કર્મચારીઓ મિલકતધારકોના ઘરે-ઘરે જઈને મિલકત સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરશે. નાગરિકોની સુરક્ષા અને સરળતા માટે આ સર્વે કરનાર કર્મચારીઓને મહાનગરપાલિકા દ્વારા અધિકૃત આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) આપવામાં આવ્યા છે.

​ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા નગરજનોને અપીલ કરી છે કે, જ્યારે પણ આ કર્મચારીઓ આપના ઘરે આવે ત્યારે તેમના ઓળખપત્ર ચકાસીને તેમને જરૂરી અને સચોટ માહિતી પૂરી પાડવી. આ આઇ-કાર્ડ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીની પોતાની સહી પણ કરવામાં આવેલી છે.

​મનપા વિસ્તારના નગરજનો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના આધારે મિલકતોની નવી આકારણી કરવામાં આવશે, જે ભવિષ્યમાં મહાનગરપાલિકાનું નવું આકારણી રજિસ્ટર તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આથી આ મહત્ત્વપૂર્ણ કામગીરીમાં તમામ નગરજનો અને મિલકતધારકો પૂરતો સહયોગ આપે તેવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.