તા.20 ઓગસ્ટ ના રોજ પેટલાદ તાલુકાના ઇસરામા ગામે ઓઇલ પામની ખેતી અંગે તાલીમ શિબિર યોજાશે
પ્રકાશિત તારીખ : 20/08/2026
પેટલાદના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાનારી તાલીમમાં આણંદ જિલ્લાના ખેડૂતો ભાગ લઈ શકશે
ઈચ્છુક ખેડૂત ભાઈ-બહેનોએ નાયબ બાગાયત નિયામકની કચેરીએ નોંધણી કરાવવાની રહેશે
આણંદ, બુધવાર , ભારત સરકારના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ-ઓઇલ પામ યોજનાને વેગ આપવાના ઉમદા હેતુથી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦, ઓગસ્ટને ગુરૂવારના રોજ પેટલાદ તાલુકાના ઇસરામા ગામ ખાતે આવેલા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ’ વિષયક તાલીમ શિબિર સવારે 10:00 કલાક થી યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને ઓઇલ પામની ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો અને તેમને આ પાકના વાવેતરથી લઈને લણણી સુધીની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે.
આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના ઓઇલ પામની ખેતીમાં રસ ધરાવતા તમામ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ તેમજ બહેનોને સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાદ્યતેલના ક્ષેત્રમાં દેશને સ્વાવલંબી બનાવવા માટે ઓઇલ પામની ખેતી અત્યંત મહત્વનું યોગદાન આપી શકે તેમ છે, ત્યારે આ તાલીમ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાની સાથે કૃષિ વૈવિધ્યકરણ અંગે પણ પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા તમામ ખેડૂત મિત્રોએ પૂર્વ નોંધણી અને અન્ય પ્રક્રિયાઓ માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતો આણંદ સ્થિત બોરસદ ચોકડીની બાજુમાં આવેલ જિલ્લા સેવા સદનના ચોથા માળે, રૂમ નંબર ૪૨૭-૪૨૯માં રૂબરૂ મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત, તાલીમ સંબંધી વધુ માહિતી અથવા માર્ગદર્શનની જરૂરિયાત હોય તો ટેલિફોન નંબર ૯૭૨૪૮ ૪૫૦૪૩ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ નાયબ બાગાયત નિયામક, આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.