બંધ

આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

પ્રકાશિત તારીખ : 01/08/2026

કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને ઈમરજન્સીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કરી અપીલ

આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.

છેલ્લા ૬ કલાકમાં (સવારે ૬:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં) બોરસદ તાલુકામાં ૧૫૯ મીમી, ખંભાત તાલુકામાં ૧૪૭ મીમી, પેટલાદ અને આણંદ તાલુકામાં ૧૪૨-૧૪૨ મીમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સોજિત્રામાં ૯૨ મીમી, તારાપુરમાં ૮૧ મીમી, ઉમરેઠમાં ૪૮ મીમી અને આંકલાવમાં ૨૭ મીમી વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લાના મુખ્ય ૪ તાલુકાઓમાં ૫ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

રેડ એલર્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની એક ટીમને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ તાલુકાઓ અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી જરૂર પડે ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.

કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, વર્તમાન હવામાનની પરિસ્થિતિને જોતાં બિનજરૂરી પ્રવાસ કે મુસાફરી કરવાનું અવશ્ય ટાળવું. જો કોઈ પણ નાગરિકને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટીની સ્થિતિ અનુભવાય તો તેમણે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ અથવા જે તે તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.