પેટલાદ તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે ₹૬.૮૨ કરોડના ખર્ચે ૨૪ નવા સ્ટાફ ક્વાર્ટર્સ મંજૂર
પ્રકાશિત તારીખ : 30/07/2026
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: પેટલાદ ખાતે પંચાયત સ્ટાફ માટે આધુનિક આવાસ સુવિધા ઉભી કરાશે
નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે મુખ્યમંત્રી સહિતના નેતૃત્વનો આભાર માન્યો; ક્વાર્ટર્સની સુવિધાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે
આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લાના પેટલાદ ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તાલુકા પંચાયતના સ્ટાફ માટે અંદાજે ₹૬.૮૨ કરોડના માતબર ખર્ચે નવીન સ્ટાફ ક્વાર્ટર્સના બાંધકામ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને પરિણામે સ્થાનિક કક્ષાએ સરકારી સેવાઓ વધુ સુદૃઢ બનશે અને વહીવટી પ્રક્રિયામાં વધુ ગતિશીલતા આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૨૪ નવીન સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવાનું સુનિયોજિત કરવામાં આવ્યું છે. આ ક્વાર્ટર્સમાં વિવિધ શ્રેણીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અલગ-અલગ યુનિટ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં સી-ટાઈપના ૧૮ યુનિટ તથા બી-૧ ટાઈપના ૬ યુનિટનો સમાવેશ થાય છે. આ તમામ આવાસ આધુનિક અને પાયાની સુવિધાઓથી સજ્જ હશે, જેના કારણે પંચાયતના કર્મચારીઓને કાર્યસ્થળની નજીક જ શ્રેષ્ઠ રહેઠાણની સુવિધા પ્રાપ્ત થશે.
પેટલાદ વિસ્તારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની મંજૂરી બદલ નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે કટિબદ્ધ છે અને આ મંજૂરી તે દિશામાં એક મક્કમ ડગલું છે.
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ યોજનાના મહત્વ અંગે વધુમાં જણાવ્યું હતું કે પેટલાદ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને નજીકના સ્થળે જ સ્ટાફ ક્વાર્ટર્સ ઉપલબ્ધ થવાથી તેમની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. રહેઠાણની સુવિધા નજીક હોવાથી રોજબરોજના વહીવટી કાર્યસંચાલનમાં મોટો સુધારો જોવા મળશે, જેનો સીધો લાભ સ્થાનિક પ્રજાજનોને મળશે. આ ક્વાર્ટર્સના નિર્માણથી સરકારી કર્મચારીઓ વધુ નિષ્ઠાપૂર્વક અને સમયસર પોતાની સેવાઓ આપી શકશે.