બંધ

ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા: સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય વરસાદી ઋતુમાં બિમારીઓથી દૂર રહેવા ઉકાળેલું પાણી અને સ્વચ્છ ખોરાક લેવા અપીલ

પ્રકાશિત તારીખ : 28/07/2026

આણંદ, સોમવાર, ચોમાસાની ઋતુમાં થતા વાતાવરણના ફેરફારોને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધતું હોય છે, જેનાથી બચવા માટે નાગરિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલમાં સામાન્ય રીતે તાવ, ઝાડા-ઉલટી અને શરીરમાં અસહ્ય દુખાવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે, જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર બિમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ આ સંજોગોમાં જાહેર જનતાએ પીવાના પાણીની શુદ્ધતા અને ખોરાકની ગુણવત્તા બાબતે અત્યંત જાગૃત રહેવું અનિવાર્ય છે. ખાસ કરીને હંમેશા ઉકાળેલું અથવા શુદ્ધ કરેલું પાણી જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તે જ રીતે, હંમેશા તાજો અને ગરમ ખોરાક જ લેવો જોઈએ અને બજારમાં મળતો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, જેથી સંક્રમણથી બચી શકાય.

વધુમાં બિમારી ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા અને સ્થગિત પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે ભરાયેલું પાણી મચ્છરોનું સંવર્ધન કેન્દ્ર બને છે. મચ્છરોથી રક્ષણ મેળવવા માટે રાત્રે મચ્છરદાની અથવા મચ્છર પ્રતિરોધક સાધનોનો ઉપયોગ કરવા તેમજ શરીરને સંપૂર્ણ રીતે ઢાંકી શકે તેવા પૂરી બાંયના કપડાં પહેરવા સૂચન કરવામાં આવ્યું છે.

વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવાની આદત કેળવવી તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી અત્યંત આવશ્યક છે. જો કોઈ પણ શારીરિક તકલીફ જણાય તો ડોક્ટરની સલાહ વગર જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તબીબી સારવાર મેળવવા જણાવવામાં આવ્યું છે.