બંધ

ખેડૂતોના હિતમાં આણંદ સિંચાઈ વિભાગનો નિર્ણય: વણાકબોરી વિયરથી નિર્ધારિત સમય પહેલા નહેરોમાં પાણી છોડ્યું

પ્રકાશિત તારીખ : 01/07/2026

આણંદ અને ખેડા જિલ્લાના ૨ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક વિસ્તારને મળશે સિંચાઈનો લાભ

વરસાદ ખેંચાતા મહી સિંચાઈ વિભાગની ત્વરિત કાર્યવાહી: ૭ જુલાઈના બદલે ૨૯ જૂનથી જ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ

સૂકાતા ધરૂવાડિયાને મળશે નવજીવન: ખરીફ સિઝનના પાક માટે સિંચાઈનું પાણી સમયસર ઉપલબ્ધ કરાવાયું

આણંદ, બુધવાર, આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર મહી જમણા કાંઠા નહેર યોજના અંતર્ગત વણાકબોરી વિયર મારફતે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે અને ખેડૂતો દ્વારા ધરૂવાડિયા સૂકાઈ રહ્યા હોવાની રજૂઆતોને ધ્યાને રાખીને, સિંચાઈ વિભાગે નિર્ધારિત સમયપત્રક કરતા વહેલું પાણી છોડવાની કામગીરી હાથ ધરી છે.

સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા અગાઉ આગામી ૭ જુલાઈ ૨૦૨૬ થી પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોની જરૂરિયાત અને ખેતીના પાકને બચાવવા માટે મહી સિંચાઈ વિભાગ દ્વારા ૨૯ જૂન ૨૦૨૬ના રોજથી જ વણાકબોરી વિયર ખાતેથી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ ત્વરિત નિર્ણયને પરિણામે બંને જિલ્લાના અંદાજે ૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે, જેનાથી સુકાઈ રહેલા પાકને બચાવી શકાશે અને કૃષિ ઉત્પાદનમાં મોટી રાહત થશે.

અને ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહેવાથી ખરીફ સિઝનનો પાક સારી રીતે લઈ શકાશે.