બંધ

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: ૧૩,૨૦૨ વિદ્યાર્થીઓ મેળવશે નવો પ્રવેશ

પ્રકાશિત તારીખ : 23/06/2026

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આણંદની ૧૨૩૩ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક પર્વ ઉજવાશે

શિક્ષણના ઉત્સવ માટે આણંદ જિલ્લો સજ્જ: ૧૦૯ રૂટ પર મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બાળકોને શાળામાં નામાંકન કરાવશે

આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧ સુધીના કુલ ૧૩,૨૦૨ વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી કાર્યક્રમ દ્વારા એક પણ પ્રવેશપાત્ર બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થાય તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ મહોત્સવને સુચારુ રીતે પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૯ જેટલા વિશેષ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૯૮૬ પ્રાથમિક શાળાઓ, ૨૪ સરકારી માધ્યમિક શાળાઓ અને ૨૨૩ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કુલ ૧૨૩૩ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ, નિયત કરવામાં આવેલા રૂટ પર દરરોજ ત્રણ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ શાળામાં સવારે ૮:૦૦ થી ૯:૩૦ કલાક સુધી, બીજી શાળામાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ કલાક સુધી અને ત્રીજી શાળામાં બપોરના ૧૨:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

આ શૈક્ષણિક ઉત્સવમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિત રાજ્ય અને જિલ્લાના લોકપ્રતિનિધિઓ જોડાશે. સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર અને આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયુરીબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ ઉપરાંત રાજ્ય કક્ષાના ૧૭ અધિકારીઓ અને જિલ્લાના નાયબ કલેક્ટરશ્રીઓ અને વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ પણ આ મહોત્સવમાં સહભાગી બની બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

આણંદ જિલ્લા શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળક ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કોઈપણ અવરોધ વિના પૂર્ણ કરે. આ મહોત્સવ માત્ર પ્રવેશ પૂરતો મર્યાદિત ન રહેતા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય સ્તર સુધી શિક્ષણ વ્યાપ વધે તે માટેનો સબળ માધ્યમ સાબિત થશે.