મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પેટલાદ નગરપાલિકાની ૨૪ સોસાયટીઓ સ્ટ્રીટ લાઈટના અજવાળાથી ઝળહળશે
પ્રકાશિત તારીખ : 05/06/2026
પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧ કરોડના સ્ટ્રીટ લાઈટના કામો મંજૂર કરાયા
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા પેટલાદ નગરપાલિકાને ૭.૭૪ કરોડની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના પ્રયાસોથી ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ પેટલાદના વિવિધ વિસ્તારોમાં આધુનિક સ્ટ્રીટ લાઈટનું નેટવર્ક ઊભું કરાશે
આણંદ, ગુરૂવાર , ગુજરાતના નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના પ્રયાસોના પરિણામે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ૨૪ જેટલી ખાનગી સોસાયટીઓમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ‘ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક’ હેઠળ પેટલાદની વિવિધ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટના કુલ ૨૪ કામો માટે રૂ. ૧૧,૦૬,૭૮,૪૦૦ના અંદાજિત ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાની જોગવાઈ મુજબ ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટના કામો માટેના કુલ ખર્ચના ૭૦ ટકા લેખે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૭૪ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જ્યારે બાકીની ૩૦ ટકા રકમ જનભાગીદારી દ્વારા સબંધિત સોસાયટીઓએ આપવાની રહેશે. અગાઉની બચત રકમને બાદ કરતાં હાલમાં પેટલાદ નગરપાલિકાને આ કામો માટે રૂ. ૬.૮૮ કરોડની રકમ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ નગરપાલિકાના વિવિધ વોર્ડમાં આવેલી સોસાયટીઓમાં નવા સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરવા, ફિટિંગ અને તેને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમંત્રીશ્રીની ભલામણ અને સરકારની નીતિ મુજબ આ વિકાસલક્ષી કામોને પરિણામે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલા આ તમામ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે નગરપાલિકા તંત્રને જણાવવામાં આવેલ છે. જે અન્વયે આ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. નોંધનિય છે કે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી સોસાયટીઓમાં રહેતા નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો અને શહેરી માળખાકીય સુવિધાઓમાં લોકભાગીદારી વધારવાનો છે. સ્ટ્રીટ લાઈટના આ પ્રોજેક્ટથી પેટલાદ શહેરના આંતરિક વિસ્તારોમાં રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા થશે.