બંધ

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન

પ્રકાશિત તારીખ : 29/05/2026

આણંદ, ગુરૂવાર , આજના ઝડપથી બદલાઈ રહેલા ડિજિટલ યુગમાં મોબાઇલ એપ્લિકેશનો એ આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુદરતી આફતોના સમયમાં આપત્તિ પૂર્વે લોકોને સમયસર ચેતવણી, હવામાનની સચોટ માહિતી અને સુરક્ષા માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ ડિજિટલ મોબાઇલ એપ્લિકેશન્સ કાર્યરત કરવામાં આવી છે.

દેશના નાગરિકોમાં ડિઝાસ્ટર બાબતે જાગૃતિ આવે તેમજ આપત્તિઓના સમયમાં જરૂરી સાવધાની રાખી શકાય તે માટે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડવા માટે સચેત (Sachet), દામિની (Damini), અને મોસમ (Mousam) મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. કુદરતી આપત્તિઓના સમયમાં દેશના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચાડી તેમને સાવધ કરતી આ અત્યંત ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન એ ખાસ કરીને કુદરતી આપત્તિઓ અને હવામાનના બદલાવ સામે સાવધ રહેવા માટે બનાવવામાં આવી છે.

નાગરિકો માટે ઉપયોગી આ ત્રણેય એપ્લિકેશનો વિશેની વિસ્તૃત માહિતી જોઈએ તો, સચેત એપ્લિકેશન  (Sachet App) એ ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા વિકસાવવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ દેશના નાગરિકોને કોઈપણ કુદરતી આપત્તિઓ વિશે અગાઉથી ચેતવણી આપવાનો છે. જેના દ્વારા પૂર, ધરતીકંપ, ચક્રવાત (વાવાઝોડું), અને ભૂસ્ખલન જેવી આપત્તિઓની રીઅલ-ટાઇમ (ત્વરિત) ચેતવણીઓ યુઝર્સના મોબાઈલ પર મોકલવામાં આવે છે. જે યુઝરના વર્તમાન લોકેશન (સ્થાન) ના આધારે તેની આસપાસના વિસ્તારના જોખમો વિશે ચોક્કસ એલર્ટ આપે છે. આ ઉપરાંત લોકો આપત્તિઓના સમયમાં પોતાનો જીવ બચાવી શકે તે માટે આપત્તિ આવે ત્યારે શું કરવું ? અને શું ન કરવું ? તેની વિગતવાર માર્ગદર્શિકા આ એપમાં આપેલી છે. આ એપ ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી સામાન્ય લોકો પણ તેને સરળતાથી સમજી શકે છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને IITM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી) દ્વારા દામિની એપ્લિકેશન (Damini App) વિકસાવવામાં આવી છે. આ એપ ખાસ કરીને વીજળી પડવાની (Lightning) ઘટનાઓ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવી છે. આ એપ યુઝરના લોકેશનની આસપાસના ૨૦ થી ૪૦ કિલોમીટરના વિસ્તારમાં આગામી ૩૦ થી ૪૫ મિનિટમાં વીજળી પડવાની શક્યતા છે કે નહીં, તેની સચોટ માહિતી આપે છે. ભારતમાં ચોમાસા દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને પશુપાલકો પર વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ એપ તેમના માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે.  આ ઉપરાંત આ એપ્લીકેશનમાં જો તમે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ફસાઈ જાઓ, તો કઈ સાવચેતી રાખવી અને કઈ જગ્યાએ આશરો લેવો તેની ઓડિયો અને ટેક્સ્ટ માહિતી પણ આપવામાં આવી છે.

ભારત સરકારના હવામાન વિભાગ (IMD – India Meteorological Department) દ્વારા મોસમ એપ્લિકેશન (Mousam App) લોન્ચ કરવામાં આવી છે. આ એપ સામાન્ય નાગરિકોને હવામાનની સચોટ અને સત્તાવાર માહિતી પૂરી પાડે છે. આ એપ્લિકેશન મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાથી તેનો યુઝર જે તે શહેરના તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને દિશા વિશેની લાઈવ માહિતી જાણી શકે છે. એટલું જ નહી પરંતુ આગામી ૭ દિવસ સુધી હવામાન કેવું રહેશે (વરસાદ પડશે કે નહીં, ગરમી વધશે કે ઘટશે) તેની માહિતી પણ અગાઉથી મળી રહે છે. આ ઉપરાંત આગામી થોડા કલાકોમાં આવનારા સ્થાનિક વાવાઝોડા કે ભારે વરસાદની ત્વરિત ચેતવણી (Nowcast) આ એપ દ્વારા દર ૩ કલાકે અપડેટ કરવામાં આવે છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ હવામાનના સેટેલાઈટ અને રાડાર પિક્ચર્સ પણ જોઈ શકે છે, જેનાથી વાદળોની સ્થિતિ જાણી શકાય છે.

ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકસિત કરવામાં આવેલ આ ત્રણેય એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અને એપલ એપ સ્ટોર (Apple App Store) ઉપર પણ ઉપલબ્ધ છે. જે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓ,  ખેડૂતો, પશુપાલકો સહિતના લોકો માટે ખૂબ ઉપયોગી છે. જેને ધ્યાને લઈ પ્રત્યેક નાગરિકે તેના મોબાઈલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ.

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન

નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન