બંધ

આણંદ જિલ્લામાં “વ્હાલી દીકરી” યોજનાનો લાભ લેવા ખાસ ઝુંબેશ

પ્રકાશિત તારીખ : 21/01/2026

યોજના હેઠળ લાભાર્થી દીકરીને મળશે રૂપિયા ૧.૧૦ લાખની સહાય

​આણંદ,બુધવાર: ​દીકરીઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા અને સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા માટે તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૧૯થી “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ આણંદ જિલ્લાની વધુમાં વધુ દીકરીઓ સુધી પહોંચાડવા માટે હાલ વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત દીકરીને કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર છે.  યોજના હેઠળ દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા ૪,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ લે ત્યારે રૂપિયા ૬,૦૦૦/- ની સહાય તેમજ યોજનાનો ​ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી ૧૮ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની માતબર રકમ આપવામાં આવે છે.

આ યોજનામાં લાભાર્થી દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં જ યોજના હેઠળ લાભ માટે અરજી કરવાની રહે છે. અરજદારો સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય/તાલુકા કક્ષાએ VCE પાસેથી ફોર્મ મેળવી શકે છે. આ ઉપરાંત, https://emahilakalyan.gujarat.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

​અરજી માટે જરૂરી દસ્તાવેજોમાં ​દીકરીનું જન્મનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ, ​માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, માતા-પિતાનું આધારકાર્ડ, ​રેશનકાર્ડ (જેમાં દીકરીનું નામ હોવું અનિવાર્ય છે), નિયત નમૂના મુજબ ​સ્વ-ઘોષણા ફોર્મ અને નિયત એકરારનામું, વાલી/માતા-પિતાનું વાર્ષિક રૂપિયા ૨,૦૦,૦૦૦/- સુધીની મર્યાદાનું આવકનું પ્રમાણપત્ર, વાલી માતા-પિતાની બેંકખાતાની પાસબુકની નકલ અરજી સાથે જોડવા તેમજ વધુ માહિતી માટે આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફોન નંબર ૦૨૬૯૨-૨૬૦૧૦૦ પર સંપર્ક સંપર્ક સાધવા જણાવાયું છે.