૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન
પ્રકાશિત તારીખ : 19/01/2026
ઉમરેઠ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ
આણંદ, શનિવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ઉમરેઠ નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઇ હતી.
આ તકે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.પી.ત્રિવેદીએ ૧૮ વર્ષથી નીચેની વયની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના વયના યુવકના લગ્ન કરાવવા, કરવા કે તેમાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ગંભીર ફોજદારી ગુનો બને છે તેમ જણાવી બાળ લગ્નના કારણે થતા શારીરિક અને માનસિક ગેરફાયદાઓ વિશે ઉપસ્થિત સૌને જાગૃત કર્યા હતા. તેમણે જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તો ગોર મહારાજ, મંડપવાળા, ડી.જે. વાળા, લગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ કાયદાનો ભંગ કરવા બદલ રૂપિયા ૦૧(એક) લાખ સુધીનો દંડ અને બે(૦૨) વર્ષની સખત સજાની જોગવાઈ છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકરે બાળકોને લગતા વિવિધ કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ‘પાલક માતા-પિતા યોજના’ વિશે માહિતી આપતા જે અનાથ બાળકોના માતા-પિતા હયાત નથી અથવા કોઈ એકનું અવસાન થયું હોય અને કોઈ એકે પુનઃલગ્ન કર્યા હોય, તેવા અનાથ બાળકોને ગુજરાત સરકાર દ્વારા ૧૮ વર્ષની ઉંમર સુધી માસિક રૂ. ૩,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
વધુમાં, તેમણે આ યોજના હેઠળની અનાથ દીકરીઓ જ્યારે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે (જેમાં દીકરા/યુવકની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોય), ત્યારે તેને સરકાર દ્વારા રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની માતબર રકમ આર્થિક સહાય પેટે આપવામાં આવે છે. આવી પ્રોત્સાહક યોજનાઓનો હેતુ બાળ લગ્ન અટકાવી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરવાનો છે તેમ જણાવ્યું હતું.
આ તકે ઉપસ્થિત સૌને હાલમાં લગ્નની સીઝન ચાલુ થયેલ હોય અને અખાત્રીજે ઘણા લગ્નોનું આયોજન થતું હોય, ઘણા બધા સમાજમાં સમુહ લગ્નના આયોજન થઈ રહ્યા છે જેથી સમુહ લગ્નના ખાયોજકોએ સમુહ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડીયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરીને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવતિ અને ૨૧ વર્ષ પૂર્ણ કરેલ યુવક હોય તેવા છોકરા-છોકરીઓના જ લગ્ન કરવા – કરાવવા તેમ જણાવવામાં આવ્યું હતું.
જો કોઈ આવા બાળલગ્ન થવાના હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન પર નંબર ૧૦૦ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ તથા મહિલા અભયમ ૧૮૧, બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીના ફોન નં. ૦૨૬૯૨-૨૫૩૨૧૦, તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના ફોન નં. ૦૨૬૯૨-૨૫૦૯૧૦ ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત લેખિત/મૌખિક ફરિયાદ કરવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જુની કલેક્ટર કચેરી, સર્કીટ હાઉસની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ-૩૮૮૦૦૧ સરનામે તેમજ કચેરીના ઈ-મેઈલ dsdo-and@gujarat.gov.in પર પણ માહિતી મોકલી શકાશે તેમ જણાવી, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ વધુમાં જણાવાયું હતું.
આ પ્રસંગે દ્રષ્ટિ ડોન બોસ્કો (કપડવંજ)ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી શૈલેષ પરમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બાળ લગ્ન થવા પાછળના વિવિધ કારણો અને તેના નિરાકરણના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ કાર્યશાળાના અંતમાં ગૃપ ચર્ચા અને ઓપન ડિસ્કશન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.જી.મકવાણા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફગણ, ૧૦૯૮ ચાઈલ્ડ લાઈનના કર્મચારીઓ તેમજ આશાવર્કર,આંગણવાડી કાર્યકરો સહિત અંદાજે ૯૦ થી વધુ સંખ્યામાં વિવિધ હિતધારકો જેવા કે રસોઈયા, ગોર મહારાજ, મંડપ સંચાલકો અને ડી.જે. સંચાલકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન

૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન

૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન