આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 19/01/2026
સરકારી ઓફિસોમાં વીજળીની બચત થાય તે માટે અધિકારી/કર્મચારીઓની અનઉપસ્થિતિમાં
વીજ ઉપકરણો ચાલુ ન રહે તે જોવા અનુરોધ
બોરસદ ચોકડી પાસેના એટીક સેન્ટર ખાતે દર મંગળવારે યોજાતા પ્રાકૃતિક કૃષિ પેદાશો ના વેચાણ કેન્દ્રમાંથી શાકભાજી, કઠોળ અને અનાજ ખરીદવા અધિકારીઓને અનુરોધ
આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસ અને કચેરીઓ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા જણાવ્યું હતું. કલેકટર શ્રી એ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત ન હોય અથવા કામ સબબ બહાર નીકળે ત્યારે વીજ ઉપકરણો અચૂક બંધ કરે તે જોવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે તેવો સેવા સેતુ કાર્યક્રમ સરકારી અધિકારી/કર્મચારીઓ માટે આગામી ફેબ્રુઆરી- માર્ચમાં યોજવામાં આવશે. જેથી સેવા રિલેટેડ કર્મચારીઓના કોઈ પ્રશ્ન હશે તો કાયદાની મર્યાદામાં રહીને તેને હલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કલેકટર શ્રી એ અધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા બોરસદ ચોકડી પાસેના એટીક સેન્ટર ખાતે દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 સુધીના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પદિત શાકભાજી, કઠોળ અને અનાજનું વેચાણ કરવામાં આવે છે, તેમની પાસેથી ખરીદ કરવા પણ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કલેકટરશ્રીએ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓની મિશન લાઈફની ક્લબ બનાવવા અને તેની પ્રવૃતિ થાય તે બાબતની સમજ આપવા સૂચન કર્યું હતું.
કલેકટરશ્રીએ સંકલન બેઠકના પ્રારંભમાં કનેક્ટ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને જિલ્લાની કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના વિવિધ હેન્ડલ્સનો મહત્તમ ઉપયોગ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
આજે યોજાયેલ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ