કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો
પ્રકાશિત તારીખ : 10/12/2025
ખાખસર શાળાની લાડકવાયી ભીમપ્રજ્ઞા સન્માન સાથે સતત બીજા વર્ષે સમગ્ર રાજ્યમાં અવ્વલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગૌરવરૂપ રૂ. ૧૦,૦૦૦/- ના રોકડ પુરસ્કાર સાથે ભીમપ્રજ્ઞા એવોર્ડથી રશ્મિ ચૌહાણનું કરાયું સન્માન
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નવમી ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી
આણંદ, મંગળવાર: ડૉ. બી. આર. આંબેડકરની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રિ-સ્તરીય નિબંધ સ્પર્ધા જ્ઞાનના આ મહાયજ્ઞમાં આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાતની લાડકવાયી પ્રતિભાશાળી વિદ્યાર્થિની કુમારી રશ્મિબેન ભરતભાઈ ચૌહાણ એ કલમની તાકાતથી સમગ્ર રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
ધોરણ-૬ થી ૮ ની કેટેગરીમાં ખાખસર પ્રાથમિક શાળા પીએમ શ્રી- ગુજરાતની તેજસ્વી વિદ્યાર્થિની કુ. ચૌહાણ રશ્મીબેન ભરતભાઈએ સમગ્ર રાજ્યમાં પ્રથમ મેરિટ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને પરિવારના ગૌરવ વધાર્યું છે. રશ્મિબેને પોતાના વિચારોની સચોટ રજૂઆત દ્વારા પ્રથમ સ્થાન હાંસલ કરી શાળા અને પરિવારનું ગૌરવ શિખરે પહોંચાડ્યું છે. આ અદ્ભુત સિદ્ધિ બદલ તેમને રૂ. ૧૦,૦૦૦/- નો પ્રતિષ્ઠિત ‘ભીમપ્રજ્ઞા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.
જ્ઞાનની દેવી સરસ્વતીનો સાક્ષાત્કાર જ્યાં થયો હોય તેવી આણંદ જિલ્લા પંચાયત હસ્તકની તારાપુર તાલુકા ની ખાખસર પ્રાથમિક શાળા પીએમ શ્રી- ગુજરાત ફરી એકવાર ગુજરાતના શૈક્ષણિક નકશા પર સુવર્ણ અક્ષરથી અંકિત થઈ છે. તારાપુર તાલુકાની આ શાળાની પ્રતિભાશાળી બાળાએ રાજ્યકક્ષાએ ઝળહળતી સિદ્ધિ મેળવીને શિક્ષણ જગતમાં પોતાના નામનો સૂરજ ઉગાવ્યો છે.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નવમી ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા ૨૦૨૫નું પરિણામ જાહેર થતાં ખાખસર પ્રાથમિક શાળામાં હર્ષની હેલી ઊઠી છે.
રશ્મીબેનના શબ્દોમાં રહેલી શક્તિ અને તેમના વિચારોની ગહનતાએ નિબંધલેખન સ્પર્ધાના આ મહામંચ પર પોતાનો સિક્કો જમાવ્યો છે.
વિદ્યાર્થિનીની આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકી એ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રશ્મીબેને માત્ર શાળાનું જ નહીં, પરંતુ તારાપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ તેણીની મહેનત અને પીએમ શ્રી યોજના હેઠળના ગુણવત્તાયુક્ત શિક્ષણનું પરિણામ છે.” શાળા પરિવાર અને એસ.એમ.સી. ખાખસર તથા ગ્રામજનો અને વાલીઓનો સહકાર પ્રાપ્ત થયો છે અને સૌથી વધુ અભિનદન આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને આપું છું. તમામ બાળકોએ દિલ થી કામ કર્યું છે.આ ઉપરાંત શાળાના આ.શિક્ષક શ્રીમતી સોનલબેન ચૌહાણ દ્વારા બાળકોને નિબંધ લખાવવા અને તેની ચકાસણી કરવી અને માર્ગદર્શન આપવાનું સહુથી કઠીન કામ કર્યું છે.
ખાસ બાબત જણાવતા આચાર્ય શ્રી એ કહ્યું કે આ દીકરીએ ગયા વર્ષે ૨૦૨૪-૨૫ માં પણ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરું હતું.
આ ઉપરાંત, બી.આર.સી. ડૉ. રાહુલભાઈ રબારીએ રશ્મીબેનને અભિનંદન આપતા કહ્યું હતું કે, “અમારી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ પણ રાજ્ય સ્તરે શ્રેષ્ઠત્તમ દેખાવ કરી શકે છે, તે આ સફળતા દર્શાવે છે. રશ્મીબેન અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે.”
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડી. એમ. નિનામાએ આ પ્રસંગને બિરદાવતા કહ્યું હતું કે, “આ વિજય તારાપુર તાલુકાના સમગ્ર શૈક્ષણિક પરિવાર માટે એક મોટી ઉપલબ્ધિ છે. રશ્મીબેનનું આ પ્રદર્શન અન્ય શાળાઓને પણ ઉત્કૃષ્ટતા તરફ પ્રેરશે.”
રશ્મીબેનના આ જ્વલંત વિજય બદલ, તેમને યુનિવર્સિટી દ્વારા ગૌરવરૂપ રૂ. ૧૦,૦૦૦/- ના રોકડ પુરસ્કાર સાથે ભીમપ્રજ્ઞા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
રશ્મીબેન માત્ર એક વિજેતા નથી, પરંતુ તે ગુજરાતની એ તમામ દીકરીઓ માટે પ્રેરણાનું ઝરણું છે, જેમને જ્ઞાનના માર્ગે અગ્રેસર થવાનું સ્વપ્ન જોયું છે.

કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો

કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો