આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવાશે
પ્રકાશિત તારીખ : 03/10/2025
વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિવિધ દિવસોની ઉજવણી કરાશે
વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આણંદ, શુક્રવાર: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી સુચારૂ રૂપે થાય તે માટે નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ વિકાસ સપ્તાહના આયોજન અને તેના અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણી દરમિયાન અનેકવિધ કાર્યક્રમો પણ યોજાનાર છે. આ કાર્યક્રમોનું સુચારૂ આયોજન પ્રત્યેક વિભાગ દ્વારા થાય તે જરૂરી છે.
તેમણે ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિકાસ સપ્તાહ : ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત વિવિધ દિવસની કરવામાં આવનાર ઉજવણીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, વિકાસ સપ્તાહ દરમિયાન યુવા સશક્તિકરણ દિવસ, રોજગાર મેળો, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ જેવા દિવસોની ઉજવણી કરવાની સાથે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સબંધિત વિભાગ દ્વારા કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવાશે

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવાશે
