મહિલાઓમાં પોષણની ઉણપ: આયોડિન અને લોહ તત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત
પ્રકાશિત તારીખ : 03/10/2025
મહિલાઓ ફક્ત આયોડિનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરે
ખજૂર, અનાર, ચણા, દાળ, મગફળી, ગુળ વગેરેનો રોજિંદા આહારમાં સમાવેશ ખૂબ જ જરૂરી
આણંદ, શુક્રવાર: રાજ્યમાં મહિલાઓ માટે આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓ ઘર અને સમાજનું આધારસ્તંભ છે. તેમનું આરોગ્ય સારું રહેશે તો આખા પરિવારનું આરોગ્ય સારું રહેશે. ખાસ કરીને આયોડિન (Iodine) અને લોહતત્વ (Iron)ની ઉણપ મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બંને પોષક તત્વોની ઉણપ મહિલાના દૈહિક તેમજ માનસિક આરોગ્ય પર ગંભીર અસર કરે છે. માટે જ, મહિલાઓમાં આ બાબતની જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે.
મહિલાઓને ખ્યાલ નથી કે આયોડિનનું મહત્વ ગળા (થાયરોઇડ) અને મગજના વિકાસ માટે કેટલું જરૂરી છે. તો, સર્વપ્રથમ જાણીએ, મહિલાઓમાં આયોડિનની ઉણપના કારણો કયા છે ?
આયોડિનયુક્ત મીઠાનો અભાવ – ઘણા પરિવારોમાં હજુ પણ સામાન્ય મીઠાનો ઉપયોગ થાય છે.
આયોડિનનું રસોઈ દરમ્યાન નુકસાન – લાંબા સમય સુધી મીઠું ગરમ કરવાથી આયોડિન નષ્ટ થઈ જાય છે.
સમુદ્રતટથી દૂર વિસ્તારો – જ્યાં સમુદ્રી ખોરાક ઓછી માત્રામાં મળે છે ત્યાં આયોડિનની ઉણપ વધુ હોય છે.
મહિલાઓને આયોડિનની ઉણપથી થતી વિવિધ સમસ્યાઓ થઈ શકે છે જેમ કે, ગળામાં ગોઇટર (થાયરોઇડ ગ્રંથિ મોટી થવી)થાક, કમજોરી અને ચીડિયાપણાનો અનુભવ, ગર્ભાવસ્થા દરમિયાન બાળકના મગજના વિકાસમાં ખામી રહેવી
માનસિક વિકાસમાં અડચણ ઉભી થવી અને
હોર્મોનલ અસંતુલન સર્જાવું.
આયોડિનની ઉણપથી ઉભી થતી આ વિવિધ સમસ્યાઓને કારણે જ મહિલાઓમાં પૂરતી જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. આયોડિનની ઉણપ નિવારવા મહિલાઓ એ ખાસ તકેદારી રાખવી જોઈએ..
ફક્ત આયોડિનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરવો.
મીઠું ભોજન તૈયાર થવામાં અંતે ઉમેરવું, જેથી આયોડિન નષ્ટ ન થાય.
સમુદ્રી શાકભાજીનો ખોરાકમાં સમાવેશ કરવો.
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ આયોડિનયુક્ત ખોરાક વધારે પ્રમાણમાં લેવો.
થોડીક જાગૃતતા મહિલાઓને ગંભીર સમસ્યાઓથી રક્ષણ આપી શકે છે. આયોડિનની સાથે સાથે મહિલાઓમાં લોહતત્વ અંગે પણ પૂરતી ગંભીરતા હોવી અનિવાર્ય છે.
મહિલાઓમાં લોહતત્વ(Iron) ની ઉણપના કારણો વિશે વાત કરીએ તો,
માસિક ધર્મ દરમિયાન રક્તક્ષય – મહિલાઓમાં માસિકથી રક્તની વધારે કમી થતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન બાળક માટે વધારે પોષણની જરૂર પડે છે જેના કારણે માતાના શરીરમાં લોહની ઉણપ થાય છે.
લોહયુક્ત ખોરાકનો અભાવ – લીલા શાકભાજી, કઠોળ, દાળ, ખજૂર, ચણા, અંજીર જેવા ખોરાક ઓછા લેવાથી લોહની ઉણપ સર્જાય છે.
પોષણ પ્રત્યે બેદરકારી – ઘરનું કામકાજ અને પરિવારની ચિંતા કરતી મહિલાઓ પોતાના જ પોષણને અવગણે છે.
*લોહતત્વની ઉણપથી મહિલાઓ સમસ્યાઓ અનુભવે છે.*એનિમિયા (લોહીની ઉણપ), ચક્કર આવવા, થાક લાગવો, ચહેરો પીળો દેખાવો, વાળ ઉતરવા અને નખ નબળા થવા,બાળકના જન્મ સમયે ઓછી વજનની સમસ્યા.
લોહતત્વની ઉણપથી ગર્ભાવસ્થા દરમ્યાન માતા અને બાળક બંને માટે જોખમ થઈ શકે છે. માટે *તમામ મહિલાઓ લોહતત્વની ઉણપ નિવારવા લીલાં શાકભાજી (પાલક, મેથી) વધારે પ્રમાણમાં ખાવા જોઈએ.ખજૂર, અનાર, ચણા, દાળ, મગફળી, ગુળ વગેરેનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો.
ડૉક્ટર દ્વારા સૂચવેલ આયર્નની ગોળીઓ / સિરપ સમયસર લેવી.લોહયુક્ત ખોરાક સાથે Vitamin-C (લીંબુ, નારંગી) લેવાથી લોહ શરીરમાં સારી રીતે શોષાય છે.ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમ્યાન ફરજિયાત આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ લેવી.
મહિલાઓના આરોગ્યની જાળવણી માટે આયોડિનયુક્ત મીઠું અને લોહયુક્ત ખોરાકનો ઉપયોગ અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વનું છે મહિલાનું આ અંગે પોતે જાગૃત થવું જોઈએ. દરેક મહિલાએ પોતાના આરોગ્યને પ્રાધાન્ય આપીને યોગ્ય આહારશૈલી અપનાવવી જોઈએ. જેથી આયોડિન અને લોહતત્વની ઉણપને જડમૂળથી દૂર કરી શકાય.