આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના લોકપાલ નિમાયા
પ્રકાશિત તારીખ : 22/09/2025
શ્રી સુનિલકુમાર રામસ્વરૂપ વિજયવર્ગીય એ ચાર્જ સંભાળ્યો
આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો સંપર્ક કરવા અનુરોધ
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેના ચેરમેન તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કામગીરી કરતા હોય છે.
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત કક્ષાએ મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા કામોનું જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અને મનરેગા ના શ્રમિકોના વેતનનું ચુકવણું આધાર બેઇઝ એમઓઆરડી ડિપાર્ટમેન્ટ, દિલ્હી દ્વારા કરવામાં આવે છે, જ્યારે મનરેગા હસ્તકના માલ સામાન ખરીદીનું ચુકવણું રાજ્ય કક્ષાએથી ગાંધીનગર ખાતેથી કરવામાં આવે છે.
આમ, આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કરવામાં આવતી કામગીરી માં શ્રમિકોને વેતન મળતું ન હોય વેતન ઓછું મળતું હોય અથવા શ્રમિકોને કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર રામસ્વરૂપ વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે તેમણે આજે તેમનો ચાર્જ સંભાળી લીધો છે.
શ્રી સુનિલ કુમાર રામસ્વરૂપ વિજય વર્ગીય ને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે ક્રીમીનલ કોર્ટ અને ફેમિલી કોર્ટના એડવોકેટ તરીકે કાર્યરત છે.
આજે શ્રી વિજય વર્ગીયે તેમની નિમણૂક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના (મનરેગા) ના લોકપાલ તરીકે થતા તેમણે તેમનો ચાર્જ સંભાળ્યો છે.
આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ શ્રી સુનિલકુમાર રામસ્વરૂપ વિજય વર્ગીય, લોકપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડી બ્લોક, ચોથો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી પાસે, આણંદને રૂબરૂ મળી શકશે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકશે, તેમ મનરેગાના અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના લોકપાલ નિમાયા
