પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ
પ્રકાશિત તારીખ : 16/09/2025
ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચાર લાખ રૂપિયાના ખર્ચમાં થતા કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે થયું
RBSK ની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ : પિતા સમીરભાઈ
આણંદ, મંગળવાર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓ ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓના આરોગ્યની તપાસ નિયમિત કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જે બાળકોને મોટી તકલીફ જણાય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અથવા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે અને હૃદય રોગ, કેન્સર વાલ્વ બદલવાની જેવી ગંભીર બીમારીઓ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. જેથી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને બીમારી પકડાઈ જાય છે અને તેમના માતા-પિતાને કોઈપણ ખર્ચ કરવો પડતો નથી જેથી ગરીબ પરિવારો માટે શાળા આરોગ્ય કાર્યક્રમ આશીર્વાદ થયો છે.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામમાં રહેતા સમીરભાઈના ઘરે તા.૦૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ એક નાનકડા બાળક અલીનો જન્મ થયો હતો. સમીરભાઈ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અલીના જન્મથી જ તેને સાંભળવામાં જન્મજાત તકલીફ હતી, જેના કારણે તેનું બાળપણ અન્ય બાળકો કરતાં અલગ હતું. આ સમસ્યા પરિવાર માટે ચિંતાનું કારણ બની હતી, કારણ કે ખાનગી હોસ્પિટલમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનનો ખર્ચ આશરે રૂપિયા ચાર લાખ રૂપિયા જેટલો થઈ શકે છે, જે તેમના માટે ખર્ચ કરવો તકલીફ રૂપ હતો.
શરૂઆતમાં અલીને આંગણવાડીમાં ભણવા મૂકવામાં આવ્યો ત્યારે પેટલાદની RBSK ટીમ દ્વારા જૂની ઇન્દિરા નગરી આંગણવાડી ખાતે બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અલીની જન્મજાત સાંભળવાની તકલીફ છે જેની જાણકારી થઈ હતી. આરબીએસકે ની ટીમે તાત્કાલિક તેને પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાંથી વધુ વિગતવાર તપાસ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો.
અલીના વાલી સમીરભાઈ શરૂઆતમાં ગભરાયા હતા અને પરિસ્થિતિથી વાકેફ ન હોવાને કારણે ઓપરેશન અને સારવાર માટે ના પાડતા હતા. તેઓને લાગતું હતું કે આ સારવાર જોખમી અને મોંઘી હશે. પરંતુ RBSK ટીમે વારંવાર તેમને સમજાવ્યા અને વિશ્વાસ અપાવ્યો કે આ રોગનો ઈલાજ શક્ય છે અને RBSK યોજના હેઠળ તે સંપૂર્ણપણે વિનામૂલ્યે થશે. આ સમજાવટથી સમીરભાઈને રાહત મળી અને તેઓ સારવાર માટે તૈયાર થયા હતા.
પિતા સમીરભાઈને સમજાવ્યા બાદ અલીને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઈ એન ટી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત ડોક્ટરોએ તેની વધુ ઝીણવટ ભરી તપાસ કરી અને તપાસમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. અલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને પ્રી-ઓપરેટિવ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. આ તૈયારીઓ RBSK ટીમના સતત માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલીનું કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઓપરેશન દરમિયાન RBSK ટીમે વાલી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો અને તેમને નૈતિક હિંમત આપી હતી તથા આશ્વાસન આપ્યું હતું.ઓપરેશન પછી અલીની સ્થિતિમાં તાત્કાલિક સુધારો જોવા મળ્યો, જે પરિવાર માટે આનંદની વાત હતી.
ઓપરેશન બાદ RBSK ટીમે વાલીને સ્પીચ થેરાપીનું મહત્વ સમજાવ્યું અને તેના માટે પ્રોત્સાહન આપ્યું. અલીને બધિર વિદ્યાલયમાં નિયમિત સ્પીચ થેરાપી શરૂ કરવામાં આવી, આ થેરાપીથી અલીની વાણી અને સાંભળવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે, અને તે હવે અન્ય બાળકોની જેમ વાતચીત કરી શકે છે.
હાલ, અલી એકદમ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવી રહ્યો છે. RBSK ટીમ અને મોરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તેની સમયાંતરે મુલાકાત લેવામાં આવે છે.
અલીના પિતા સમીરભાઈએ RBSK ટીમ અને પેટલાદ તાલુકા આરોગ્ય કચેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની પ્રશંસા કરતાં કહ્યું કે, આ યોજનાએ તેમના બાળકનું જીવન બદલી નાખ્યું છે. RBSK જેવી યોજના અમારા જેવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના માધ્યમથી અનેક બાળકોને નવું જીવન મળી રહ્યું છે તેમ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.

પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ

પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ

પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ
