આજે તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે
પ્રકાશિત તારીખ : 16/09/2025
જિલ્લા કલેકટરશ્રી એ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન
આણંદ, સોમવાર: ગુજરાત રાજ્યમાં તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે સવારે ૮-૦૦ કલાકે ૦૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે,ખંભાતમાં એસ.જી. વાઘેલા હાઇસ્કુલ ખાતે, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે, તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે, આંકલાવના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે તથા ઉમરેઠમાં સુંદલપુરા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રકતદાન કેમ્પ અન્વયે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે,રકતદાન એ મહાદાન છે જેથી કરીને દરેક વ્યક્તિએ વર્ષમાં એક વાર તો રકતદાન કરવું જ જોઇએ, જિલ્લાના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં રક્તદાન કરે અને રકતદાનનો વિક્રમ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે તેવી અપીલ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરી છે.
આણંદ જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ “નમો કે નામ રક્તદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “રક્તદાન નમો કે નામ” અભિયાનમાં ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારી મહામંડળ સક્રિય રહીને આ અભિયાનમાં સહભાગી બનનાર છે.