જનરલ હોસ્પિટલ આણંદ ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન ઘૂંટણના ૩૫ ઓપરેશન કરાયા
પ્રકાશિત તારીખ : 30/08/2025
ઓર્થોપેડિક સર્જન દર મંગળવાર અને શનિવારે ઉપલબ્ધ
આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સિવિલ હોસ્પિટલ / જનરલ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નું ધ્યાન રાખવામાં આવે છે.
દર્દીઓ માટે શુદ્ધ પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા, ઓ પી ડી માં અને વોર્ડમાં પંખા ની વ્યવસ્થા અને વિવિધ ડોક્ટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા ના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ ખાતેનો ઓર્થોપેડિક વિભાગ જેમાં ડોક્ટર નિશીલ પટેલ સેવા આપી રહ્યા છે, જે દર મંગળવારે અને શનિવારે સવારે ૮-૩૦ કલાક થી ૧૧-૩૦ કલાક સુધી ઉપલબ્ધ રહે છે.
જનરલ હોસ્પિટલ આણંદ ખાતેના ઓર્થોપેડિક વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ઘૂંટણના ૩૫ જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે, તે પૈકી ચાલુ વર્ષે ૧૦ ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ વર્ષે થાપાના એટલે કે હિપ રિપ્લેસમેન્ટ ૦૩ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત જનરલ પાટાપિંડી ફેક્ચર જેવી ઓર્થોપેડિક ની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
આથી જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ઓર્થોપેડિક વિભાગની સેવાઓ માટે આવતા દર્દીઓએ દર મંગળવાર અને શનિવારે સવારે ૦૮-૩૦ કલાક થી ૧૧-૩૦ કલાક દરમિયાન આવવાથી ઓર્થોપેડિક ડોક્ટરની સેવાઓ મળી રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.