નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું
પ્રકાશિત તારીખ : 20/08/2025
આરોગ્ય વિભાગની ટીમના સંયુક્ત પ્રયાસ થકી મીનાબેહેને કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવી
આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસા ખાતે આરોગ્ય વિભાગની ‘જોખમી સગર્ભા માતા’ યોજનાના માધ્યમથી માતા અને બાળકના આરોગ્યને સુરક્ષિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું હાથ ધરાયું છે.
આ યોજના હેઠળ જોખમી સગર્ભા માતાઓની ઓળખ કરીને તેમને જનરલ હોસ્પિટલમાં સલામત ડિલિવરી કરાવવામાં આવે છે અને સરકારી આરોગ્ય યોજનાઓના લાભ આપવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ માતા મરણ અને બાળ મરણને અટકાવવાનો છે, જેમાં મમતા દિવસ અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
જે અન્વયે બોરસદના નિસરાયાના ૩૧ વર્ષીય મીનાબેન મહેશભાઈ ઠાકોરને જોખમી સગર્ભા માતા તરીકે ઓળખ કરાઈ હતી. તેઓ ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે અને તેમની આ ચોથી સગર્ભાવસ્થા હતી. અગાઉની ત્રીજી સુવાવડમાં તેમને હાઈ બ્લડ પ્રેશરને કારણે સિઝેરિયન ડિલિવરી કરાવવી પડી હતી, જેમાંથી એક બાળક હયાત છે અને તંદુરસ્ત છે.
મીનાબેનની અગાઉની સુવાવડોમાં બે વાર બાળ મરણ થયું હતું, જે તેમને જોખમી માતા તરીકે ચિહ્નિત કરે છે. ત્રીજી સુવાવડ પછી આરોગ્ય વિભાગના સ્ટાફે તેમને ચોથી સુવાવડ ન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમ છતાં તેઓ સગર્ભા બન્યા. આ ચોથી સગર્ભાવસ્થામાં પણ તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી, જે તેમના જીવનને જોખમમાં મુકી શકે તેમ હતી.
સગર્ભાવસ્થા દરમિયાન જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસા ખાતે આયોજિત કેમ્પમાં મીનાબેનને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું બ્લડ પ્રેશર તપાસતા તે હાઈ આવ્યું, જેથી તેમને બીપીની દવા શરૂ કરવામાં આવી. ત્યારબાદ આયુષ્માન આરોગ્ય મંદિર નિસરાયા ખાતે પણ તેમનું બીપી તપાસ્યું અને તે હાઈ જણાતા તેમને શ્રી હોસ્પિટલ આંકલાવ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તેમની દવાનો ડોઝ વધારીને સારવાર ચાલુ રાખવામાં આવી અને તેમને ગર્ભાવસ્થા ન રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમને તેમના જીવનના જોખમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં તેઓ માન્યા નહીં. આરોગ્ય ટીમે તેમને વારંવાર સમજાવવાના પ્રયાસો કર્યા, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસાની SBCC ટીમ, તાલુકા SBCC ટીમ, મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર અને આયુષ્માન આરોગ્ય મંદિરના સ્ટાફનો સમાવેશ થતો હતો.
આ સંયુક્ત પ્રયાસોને કારણે આખરે મીનાબેન ગર્ભાવસ્થા ન રાખવા માટે તૈયાર થયા. તેઓએ MTP (મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી) સાથે કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવી અને સ્ત્રી ઓપરેશન કરાવ્યું. આ પ્રક્રિયા માટે તેમને કુટુંબ કલ્યાણ ઓપરેશન પ્રોત્સાહન રકમ રૂપિયા ૧૪૬૦ અને વિના મૂલ્યે સારવાર મળી હતી.
આમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ની ટીમના સતત પ્રયાસો અને યોજનાની અસરકારક અમલવારીથી એક જોખમી માતાનું જીવન બચાવી શકાયું છે, મીનાબેનના કિસ્સામાં આ નિર્ણયથી તેમની ચોથી ડિલિવરીના જીવલેણ જોખમને ટાળી શકાયું અને તેમના પરિવારને સુરક્ષિત કરી શકાયું છે.

નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું
