આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા
પ્રકાશિત તારીખ : 17/07/2025
રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હાથ ધરાયું.
વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું.
આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ વરસાદે વિરામ લેતા મનપા વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત મનપા વિસ્તારમાં ૨૧૧ જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવ, પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત નિયમિત રૂપે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વરસાદને કારણે જે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા છે, ત્યાં તાત્કાલિક ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગની કામગીરી અને પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી નગરજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
આમ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરતા રોડ ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થતા હતા કે ખાડા પડતા હતા તેમાં ઘટાડો નોંધાશે.
આણંદ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન મચ્છરના ઉપદ્રવ ને અટકાવવા માટે ઘરની અંદર, ઘરની બહાર અને ધાબા ઉપર ભરાયેલ પાણી ખાલી કરવા, પોરાનાશક કામગીરી કરવી, જેવી કામગીરી અર્બન આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર ફરીને કરવામાં આવી રહી છે.
મનપા દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને કારણે મચ્છરથી થતા રોગો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકન ગુનિયાને અટકાવી શકાશે, જેથી મનપા વિસ્તારમાં આવેલ સંસ્થાઓ, શાળા, કોલેજ, હોસ્પિટલો પણ પોતાના કમ્પાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેવા પગલાં ભરવા માટે પણ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.