બંધ

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય

પ્રકાશિત તારીખ : 02/07/2025

આણંદ, મંગળવાર: આજની ઝડપી  જીવનશૈલીમાં મોટાભાગનાં લોકો  દિવસનો મોટાભાગનો સમય  પોતાનાં કામનાં સ્થળે જ પસાર કરે  છે. સતત બેસી રહેવું, તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહારની ટેવોને  કારણે મેદસ્વીપણું એ એક સામાન્ય એક સમસ્યા બની ગઈ છે. મેદસ્વીપણું એ માત્ર એક શારીરિક સમસ્યા  નથી, પરંતુ તે ઘણાં ગંભીર રોગો જેવાં કે હાઈ બ્લડ પ્રેશર,  ડાયાબિટીસ, હૃદયરોગ અને  માનસિક તણાવનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને  અપનાવીને મેદસ્વીપણા સામે  અસરકારક રીતે લડી શકાય છે.

એક સૌથી સહેલો પરંતુ સૌથી અસરકારક ઉપાય એ છે કે લીફટને બદલે સીડીનો ઉપયોગ કરવો. જયારે આપણે સીડી ચડતાં હોઈએ છીએ ત્યારે આપણાં શરીરનાં મોટા સ્નાયુઓ સક્રિય થઈ જાય છે, જે માત્ર કેલરી જ બર્ન કરતાં નથી, પરંતુ નિયંત્રિત રીતે હૃદયનાં ધબકારા પણ વધારે છે. તે એક પ્રકારની કાર્ડિયો એક્સરસાઈઝ છે.જે ઓફિસના સમય દરમિયાન પણ સરળતાથી કરી શકાય છે. આ આદત ધીમે ધીમે શરીરને ફિટ બનાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કાર્યસ્થળ પર લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીરની ગતિ અટકી જાય છે અને મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે તેનાથી ચરબી જમા થાય છે. તેનાથી બચવા માટે દર એક કે બે કલાકે થોડી મિનિટોનો ટૂંકો બ્રેક લેવો જોઈએ. આ વિરામ દરમિયાન વોશરૂમમાં જવું, થોડું ચાલવું, કે પછી હળવી સ્ટ્રેચિંગ કરવાથી શરીર ફિટ રહે છે. આવી ટૂંકી પરંતુ નિયમિત હિલચાલ સ્નાયુઓને સક્રિય રાખે છે.

જો તમે ઓફિસ ડેસ્ક પર લાંબા સમય સુધી બેસો છો, તો તમે ખભાને ગોળ ગોળ ફેરવવા, ગરદનને ફેરવવી અથવા હાથને ઉપર-નીચે કરવા જેવી સરળ ડેસ્ક એક્સરસાઇઝ પણ કરી શકો છો. આ કસરતોથી તમારા સ્નાયુઓની જડતાં તો ઘટે જ છે, સાથે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. સતત બેસવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે અને આ કસરતો તે દબાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ સિવાય વર્કપ્લેસ મીટિંગ્સ અને ગેટ-ટુગેધર દરમિયાન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર આવી મીટીંગોમાં ચા, કોફી, બિસ્કિટ, સમોસા કે અન્ય તળેલાં નાસ્તા પીરસવામાં આવે છે. જે વજન વધારવામાં ભૂમિકા ભજવે છે. જો તેનાં બદલે ફળો, મિક્સ્ડ નટ્સ, શેકેલા ચણા, લીંબુનું શરબત કે ગ્રીન ટી જેવાં હેલ્થી ઓપ્શન પસંદ કરવામાં આવે તો તે શરીર માટે વધુ ફાયદાકારક રહેશે. આ પ્રકારનો ખોરાક ઊર્જા આપે છે અને વજન પણ વધારતાં નથી.

કાર્યસ્થળ પર સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું એ માત્ર એક ટેવ નથી, તે એક જીવનશૈલી છે. રોજીંદા કામની વચ્ચે જો આપણે સ્વાસ્થ્ય માટે નાના-નાના પ્રયાસો કરીએ તો મેદસ્વિતા જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તે માત્ર આપણાં શારીરિક સ્વાસ્થ્યને જ સુધારતું નથી, પરંતુ કાર્યક્ષમતા અને મનોબળને પણ વધારે છે. એક તંદુરસ્ત કર્મચારી માત્ર તેનાં જીવનને જ સુધારતો નથી, પરંતુ કાર્યસ્થળના વાતાવરણને હકારાત્મક અને ઊર્જાવાન પણ બનાવે છે.

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય 2

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય 1